હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાહુલ ગાંધીનો સરકાર પર પ્રચંડ પ્રહાર: ઝારખંડ હોય કે જંતરમંતર... વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અસ્વીકાર્ય : અમિત શાહના રાજીનામાની કરી માંગ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વળતો પ્રહાર કરી રાહુલને આરોપો લગાવીને ભાગવાને બદલે સંસદમાં ચર્ચા કરવાની ફેંકી ચેલેન્જ

નવી દિલ્હી: દેશભરમાં વધી રહેલા વિદ્યાર્થી આંદોલનો અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો પર થઈ રહેલા પોલીસ દમનને લઈને દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યો છે કે, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને બળપ્રયોગ કરવાનો આદેશ આખરે કોણે આપ્યો? નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન રાહુલે સણસણતો આરોપ લગાવ્યો હતો કે, દિલ્હીમાં પોતાના હક્કો માટે લડી રહેલા યુવાનો પર પેલેટ ગન અને ખીલા-જડેલી લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો છે, જેના માટે સીધા ગૃહમંત્રી જવાબદાર છે.
રાહુલ ગાંધીએ સરકારને ઘેરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "જો ગૃહમંત્રી અમિત શાહે દેશના ભવિષ્ય સમાન બાળકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હોય તો તેઓ ગુનેગાર છે, અને જો તેમને આ વિષયની જાણ જ ન હોય તો તેઓ પદ સંભાળવા માટે સંપૂર્ણપણે અસમર્થ છે." આ બંને કિસ્સામાં તેમણે તુરંત પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. વધુમાં રાહુલે ઝારખંડમાં પણ આંદોલનકારી વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની નિંદા કરતા કહ્યું કે, પછી તે ઝારખંડ હોય કે જંતરમંતર, યુવાનોનો અવાજ દબાવવા માટે બળપ્રયોગ કરવો એ જરાય સ્વીકાર્ય નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારે આંદોલનકારીઓ સાથે તુરંત વાતચીત કરી ઉકેલ લાવવો જોઈએ.
બીજી તરફ, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીના આરોપો સામે પલટવાર કરતા કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે વિપક્ષી નેતા માત્ર આરોપો લગાવીને ભાગી રહ્યા છે, જ્યારે ગૃહમંત્રી પોતે સંસદના ગૃહમાં તમામ પ્રશ્નોના જવાબો આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. લોકશાહીમાં આરોપો લગાવીને ભાગી જવાને બદલે ગૃહમાં આવીને વાત સાંભળવાની હિંમત હોવી જોઈએ. આ તીખા પ્રહારો અને વળતા પ્રહારોને કારણે સંસદના આગામી સત્રોમાં પણ વિદ્યાર્થી આંદોલનનો મુદ્દો ભારે ગરમાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
