<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ફેક કોલ્સથી મળશે છુટકારો : TRAI લાવ્યું '1601' શ્રેણી : નકલી ગ્રાહક સેવા અને સાયબર છેતરપિંડી પર વાગશે બ્રેક

વીજળી, ગેસ અને કુરિયર કંપનીઓ માટે ખાસ '1601' નંબર સિરીઝ ફરજિયાત : ૧૦ આંકડાના અજાણ્યા નંબરોથી થતી ડિજિટલ અરેસ્ટ અને ફ્રોડ કૉલ્સની જાળમાંથી સામાન્ય નાગરિકોને મળશે કાયમી છુટકારો

નવી દિલ્હી: રોજિંદા જીવનમાં અજાણ્યા ૧૦-આંકડાના નંબરો પરથી આવતા ફેક કોલ્સ અને કુરિયર કે ગેસ કનેક્શન કાપી નાખવાના નામે થતી સાયબર છેતરપિંડીથી હવે દેશવાસીઓને મોટી રાહત મળવા જઈ રહી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ ગ્રાહકોની સુરક્ષા માટે એક ક્રાંતિકારી પહેલ શરૂ કરી છે. નવી સિસ્ટમ હેઠળ હવે વીજળી વિતરણ, એલપીજી ગેસ એજન્સીઓ, પાણી પુરવઠો અને પાર્સલ ડિલિવરી કરતી કુરિયર કંપનીઓના સત્તાવાર કોલ માત્ર '1601' શ્રેણીના ખાસ નંબરો પરથી જ આવશે. આનાથી ગ્રાહકો એક જ નજરમાં સમજી શકશે કે આવનાર કોલ સાચો છે કે કોઈ ઠગનો.

TRAI ના આ માસ્ટરપ્લાનનો મુખ્ય હેતુ સામાન્ય વૉઇસ કૉલ્સ પર નાગરિકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો છે. અત્યાર સુધી સાયબર ગુંડાઓ સામાન્ય ૧૦ આંકડાના મોબાઈલ નંબર પરથી ફોન કરી કોઈ જાણીતી લોજિસ્ટિક્સ કે યુટિલિટી કંપનીના પ્રતિનિધિ હોવાનો ઢોંગ રચતા હતા. નવા નિયમો મુજબ, ૧૬૦૧ શ્રેણીના નંબરો મેળવવા માટે કંપનીઓએ સખત ચકાસણીમાંથી પસાર થવું પડશે અને કોઈપણ મધ્યસ્થી કે એગ્રીગેટર વિના સીધી ફાળવણી કરવામાં આવશે. બેંકિંગ અને સરકારી કામકાજ માટે '1600' શ્રેણી પહેલાની જેમ જ કાર્યરત રહેશે જેથી નાણાકીય સેવાઓ સાથે કોઈ ભેળસેળ ન થાય.

અનધિકૃત પ્રમોશનલ કોલ્સ રોકવા માટે નિયમનકારે સ્પષ્ટ કર્યું છે કે '1601' નંબરનો ઉપયોગ માત્ર જરૂરી સેવાકીય માહિતી અને ટ્રાન્ઝેક્શનલ કૉલ્સ માટે જ થઈ શકશે. કોઈ પણ કંપની આ નંબર પરથી પોતાની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કે જાહેરાત કરી શકશે નહીં. ટેલિકોમ કંપનીઓને આગામી ૯૦ દિવસની અંદર તમામ લાયક સંસ્થાઓને આ નવી સિસ્ટમ પર શિફ્ટ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી દેશભરમાં ચાલતા ફેક કોલ કૌભાંડ અને સાયબર ક્રાઈમના દૂષણ પર લગામ કસાશે તે નક્કી છે.

(5:39 PM IST)