હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક તેલ યુદ્ધના નવા એંધાણ: હોર્મુઝ પર ઈરાનની નાકેબંધી, કહ્યું- '૨૦ જાન્યુઆરી, ૨૦૨૯ સુધી ટ્રમ્પ રાહ જુએ, તેલ નહીં વહે!'
તેહરાને 'યુદ્ધ નહીં, શાંતિ નહીં' ની નીતિ અપનાવી અમેરિકા સાથે વાટાઘાટોનો દરવાજો કર્યો બંધ : ૧૬૦ લાખ બેરલ તેલના માર્ગ પર સસ્પેન્સ વધારીને મૂકી $૩૦૦ બિલિયનના વળતર સહિતની ૩ કડક શરતો

તેહરાન: પશ્ચિમ એશિયાના રણમેદાનમાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવ વચ્ચે ઈરાને એક આઘાતજનક અને આક્રમક રણનીતિક નિર્ણય લઈને સમગ્ર વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી દીધું છે. ઈરાની સંસદના સ્પીકરના વરિષ્ઠ સલાહકાર માજિદ શાકેરીએ જાહેરાત કરી છે કે ઈરાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમગ્ર કાર્યકાળના અંત સુધી, એટલે કે ૨૦ જાન્યુઆરી, ૨૦૨૯ સુધી હોર્મુઝ સ્ટ્રેટ પર ગતિરોધ અને પ્રતિબંધો યથાવત રાખવા તૈયાર છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ તેહરાન કોઈ પણ પ્રકારના રાજદ્વારી કરાર કે વાટાઘાટો કરશે નહીં, જેનાથી વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર મચી ગયો છે.
ઈરાને પોતાની નવી વ્યૂહરચનાને 'યુદ્ધ નહીં, શાંતિ નહીં' નામ આપ્યું છે. શાકેરીએ ખુલ્લેઆમ જણાવ્યું કે વાસ્તવિક વિજય ઉતાવળમાં કરાર કરવાથી નહીં, પરંતુ અનિશ્ચિતતા અને વ્યૂહાત્મક ધીરજ જાળવી રાખવામાં છે. આ સાથે જ ઈરાને અમેરિકા સામે ૩ કડક શરતો મૂકી છે: પહેલી, અમેરિકી પ્રતિબંધોથી થયેલા આર્થિક નુકસાન પેટે $૩૦૦ બિલિયન (અંદાજે ૨૪ લાખ કરોડ રૂપિયા)નું વળતર આપવું, બીજી, વિશ્વભરમાં જપ્ત કરાયેલી ઈરાનની અબજો ડોલરની સંપત્તિ મુક્ત કરવી, અને ત્રીજી, મધ્ય પૂર્વમાંથી અમેરિકી દળોને સંપૂર્ણપણે પાછા ખેંચવા. જ્યાં સુધી આ શરતો નહીં મનાય ત્યાં સુધી તેલ પુરવઠાનો માર્ગ બંધ રાખવાની ધમકી અપાઈ છે.
હોર્મુઝ સ્ટ્રેટ એ માત્ર એક દરિયાઈ માર્ગ નથી, પરંતુ વિશ્વની ઉર્જા સુરક્ષાની મુખ્ય ધમની છે, જ્યાંથી દરરોજ વિશ્વના ક્રૂડ ઓઈલનો આશરે ૨૦ ટકા જથ્થો પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ અને કતાર જેવા દિગ્ગજ તેલ ઉત્પાદકો આ જ માર્ગ પર નિર્ભર છે. જો ૨૦૨૯ સુધી આ નાકેબંધી લંબાશે, તો વિશ્વભરમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ આસમાને આંબી જશે, જે યુરોપથી લઈને એશિયા સુધી ભયાનક મોંઘવારી અને આર્થિક મંદી નોતરી શકે છે. હવે આખી દુનિયાની નજર આ વૈશ્વિક ઉર્જા સંકટ પર ટ્રમ્પ વહીવટીતંત્રના આગામી જવાબી પગલાં પર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
