<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ઇલેક્ટ્રિક વાહનો અને ક્લીન એનર્જી ક્ષેત્રે ભારતની મોટી છલાંગ: કોલ ઇન્ડિયા ચિલીમાં લિથિયમ માઇનિંગ યુનિટ ખરીદવાની તૈયારીમાં!

EV બેટરી માટે જરૂરી 'વ્હાઇટ ગોલ્ડ' નો સપ્લાય સુરક્ષિત કરવા માસ્ટરપ્લાન; કેનેડિયન કંપની સાથે મળીને ચિલી સરકાર પાસે લાઇસન્સ માટે કરી અરજી

નવી દિલ્હી: તા.૧૧ — વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક સરકારી કંપની 'કોલ ઇન્ડિયા' (Coal India) હવે ભવિષ્યના ઈંધણ ગણાતા લિથિયમના ઉત્પાદન ક્ષેત્રે ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, કોલ ઇન્ડિયા કેનેડા સ્થિત 'વેલ્થ મિનરલ્સ' ની માલિકીની અને ચિલી-કેન્દ્રિત લિથિયમ માઇનિંગ યુનિટના સંપાદન (Acquisition) માટે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. ઇલેક્ટ્રિક વાહનો (EV), રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ અને ગ્રીન ટેકનોલોજી માટે લિથિયમ અત્યંત મહત્વપૂર્ણ ખનિજ છે, અને આ સંભવિત સોદો ભારતની ઊર્જા સુરક્ષા માટે એક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

 

ચિલી સરકાર પાસે લાઇસન્સ માટે સંયુક્ત અરજી

આ વિદેશી સાહસના પ્રથમ તબક્કા તરીકે કોલ ઇન્ડિયા અને વેલ્થ મિનરલ્સની ચિલી સ્થિત પેટાકંપની 'કુસ્કા મિનરલ્સ' એ સંયુક્ત રીતે ચિલી સરકાર સમક્ષ લિથિયમ નિષ્કર્ષણ (Lithium Extraction) લાઇસન્સ મેળવવા અરજી સબમિટ કરી છે. મંજૂરી મળ્યા બાદ જ સંપાદન અથવા સંયુક્ત સાહસ (Joint Venture) ના માળખા અને રોકાણની વિગતોને આખરી ઓપ આપવામાં આવશે. નોંધનીય છે કે કંપનીઓએ ઓક્ટોબર ૨૦૨૫ માં અરજી કરી હતી, પરંતુ ચિલીમાં સત્તાપરિવર્તનને કારણે પ્રક્રિયામાં થોડો વિલંબ થયો હતો.

 

વિશ્વના ત્રીજા સૌથી મોટા લિથિયમ ભંડાર પર ભારતની નજર

યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ચિલી પાસે વિશ્વનો ત્રીજો સૌથી મોટો (આશરે ૧.૩ કરોડ મેટ્રિક ટન) લિથિયમનો ભંડાર છે. ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત સરકાર પોતાની પબ્લિક સેક્ટર કંપનીઓને વિદેશી ખનિજ સંપત્તિઓમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરી રહી છે. આ અગાઉ ૨૦૨૪ માં ભારતે આર્જેન્ટિનાના પાંચ બ્લોક્સમાં લિથિયમ ઉત્ખનન માટે કરાર કર્યા હતા.

 

ક્રિટિકલ મિનરલ સ્ટ્રેટેજીનો વિસ્તાર

ભારતે આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે ક્રિટિકલ મિનરલ એગ્રીમેન્ટ્સ કર્યા છે, જ્યારે પેરુ અને ચિલી સાથે વ્યાપક ભાગીદારી માટે વાટાઘાટો ચાલી રહી છે. આ ઉપરાંત ટેકનોલોજી અને સંસાધનો માટે જર્મની, બ્રાઝિલ અને કેનેડા સાથે પણ કરારો કરવામાં આવ્યા છે. ચિલીના લિથિયમ ક્ષેત્રમાં કોલ ઇન્ડિયાનો આ સંભવિત પ્રવેશ ભારતના ઈલેક્ટ્રિક મોબિલિટી અને ગ્રીન એનર્જીના સ્વપ્નને એક નવી ઊંચાઈ આપશે.

(5:42 PM IST)