<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

મથુરા ઇસ્કોન મંદિરમાં ડ્રેસ કોડ લાગુ: પરંપરાગત વસ્ત્રો પહેરવા ભક્તોને અપીલ: ટૂંકા કપડાં પર પ્રતિબંધ

મહિલાઓ માટે સાડી અને પુરુષો માટે ધોતી-કુર્તા કે પેન્ટ-શર્ટ ફરજિયાત: દિલ્હી ઇસ્કોનના ટ્રસ્ટી યુધિષ્ઠિર ગોવિંદ દાસે સ્પષ્ટતા કરી કે મંદિરની પવિત્રતા અને શિષ્ટાચાર જાળવવા માટે આ નિર્ણય લેવાયો

મથુરા :  વિશ્વપ્રસિદ્ધ મથુરાના ઇસ્કોન મંદિર (વૃંદાવન) ખાતે દર્શનાર્થે આવતા ભક્તો માટે વહીવટીતંત્ર દ્વારા ડ્રેસ એડવાઇઝરી જારી કરવામાં આવી છે. આ નવી માર્ગદર્શિકા મુજબ, મંદિરમાં પ્રવેશવા માટે પરંપરાગત અને સાદગીભર્યા કપડાં પહેરવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. મંદિરના પીઆરઓ રવિલોચન દાસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ ડ્રેસ કોડ સનાતન ધર્મની પરંપરાઓ અને પવિત્રતાને જાળવવા માટે અમલી બનાવવામાં આવ્યો છે. આ અંગેના સાઇનબોર્ડ્સ મંદિરમાં મુકવામાં આવ્યા છે જેથી શ્રદ્ધાળુઓ મર્યાદાપૂર્ણ પોશાકમાં જ દર્શન કરે.

માર્ગદર્શિકા અનુસાર, મહિલા ભક્તોને પરંપરાગત સાડી કે મર્યાદિત પોશાક પહેરીને આવવા અને પુરુષોને ધોતી-કુર્તા અથવા પેન્ટ-શર્ટ પહેરવા વિનંતી કરવામાં આવી છે. આ નિર્ણય અંગે વિવાદ વધતા દિલ્હી ઇસ્કોનના ટ્રસ્ટી અને કન્ટ્રી ડિરેક્ટર ઓફ કોમ્યુનિકેશન્સ યુધિષ્ઠિર ગોવિંદ દાસે સ્પષ્ટતા કરી હતી કે આ નિયમ પુરુષો અને સ્ત્રીઓ બંનેને સમાન રીતે લાગુ પડે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જ્યારે ભક્તો ભગવાન પ્રત્યે સમર્પણ અને ભક્તિભાવથી આવે છે ત્યારે પવિત્ર સ્થળની ગરિમા જાળવવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે.

ઈસ્કોન તંત્રએ અન્ય ધાર્મિક અને વહીવટી સ્થળોના ઉદાહરણો આપતા જણાવ્યું કે, દેશના અન્ય પ્રસિદ્ધ મંદિરો જેવા કે તિરુપતિ બાલાજી, જગન્નાથ પુરી અને અનંત પદ્મનાભસ્વામી મંદિરમાં પણ સખત ડ્રેસ કોડનું પાલન થાય છે. આ સિવાય ઓફિસો, હોસ્પિટલો કે લશ્કરી દળોમાં પણ નિશ્ચિત પોશાક હોય છે. મંદિર સત્તાધીશોએ તમામ ભક્તોને મંદિરના શિષ્ટાચારનો આદર કરવા અને સનાતન સંસ્કૃતિની મર્યાદા જાળવવા સહયોગ આપવા અપીલ કરી છે.

(7:01 PM IST)