<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

એર ઇન્ડિયા ફ્લાઇટના પાયલોટનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ: મધ્ય-હવામાં વિમાન ૩૦૦ ફૂટ નીચે ખાબક્યા બાદ ચોંકાવનારો ખુલાસો

ફુકેટથી દિલ્હી આવી રહેલા એરક્રાફ્ટના કેપ્ટનનું લેબ રિપોર્ટમાં ડ્રગ્સ સેવન સામે આવ્યું : આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નિયમો હેઠળ AAIB દ્વારા ગંભીર તપાસ શરૂ

નવી દિલ્હી :  એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટના પાયલોટનો ફ્લાઇટ પૂરી થયા બાદ કરાયેલો સાયકોએક્ટિવ સબસ્ટન્સ (ડ્રગ્સ) ટેસ્ટ પોઝિટિવ આવતા ભારતીય એવિએશન સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે. ૪ ઓગસ્ટે ફુકેટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI2379 (A320 એરક્રાફ્ટ) સાથે હવામાં જ એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. ક્રૂઝ મોડ દરમિયાન વિમાન અચાનક ૩૦૦ ફૂટ નીચે ખાબક્યું હતું, જોકે પાયલોટોએ કોઈક રીતે નિયંત્રણ મેળવીને વિમાનને દિલ્હી ખાતે સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું.

મંગળવારે જાહેર થયેલા લેબ રિપોર્ટ અનુસાર, ફ્લાઇટ લેન્ડ થયા બાદ લેવામાં આવેલા સેમ્પલમાં પાયલોટ ડ્રગ્સના પ્રભાવ હેઠળ હોવાનું સામે આવ્યું છે. આ સનસનાટીભર્યા ખુલાસા બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અને એર ઇન્ડિયા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. ફ્લાઇટ દરમિયાન સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મુકવા બદલ પાયલોટ સામે આકરા પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

આ ગંભીર સુરક્ષા ચૂક અંગે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના એનએક્સ ૧૩ ની જોગવાઈઓ હેઠળ ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. હવાઈ મુસાફરોની સુરક્ષા પર ઉભા થયેલા આ મોટા પ્રશ્નાર્થ બાદ તપાસ સમિતિ દ્વારા સીસીટીવી ફૂટેજ, ક્રોસ-ચેકિંગ પ્રોટોકોલ અને પાયલોટની મેડિકલ હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે, જેથી આટલી ગંભીર સ્થિતિમાં પાયલોટે કોકપિટમાં કેવી રીતે પ્રવેશ કર્યો તે સત્ય બહાર આવી શકે.

(7:01 PM IST)