<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

રેલવે મુસાફરોને મોટી ભેટઃ ‘રેલવન’ એપથી સામાન્ય ટિકિટ બુક કરો, કાઉન્ટરની કતાર છોડો અને ડિજિટલ ચુકવણીમાં ૩ ટકા બચાવો

‘રેલવન’ માત્ર અનારક્ષિત ટિકિટ પૂરતી મર્યાદિત નથી. તેમાં આરક્ષિત ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ, ટ્રેનની સ્થિતિ, ફરિયાદ, ભોજન સહિત અનેક મુસાફર સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ

નવી દિલ્હી:ભારતીય રેલવેએ મુસાફરો માટે શરૂ કરેલી ‘રેલવન’ એપ હવે સામાન્ય મુસાફરીની ટિકિટ મેળવવા માટે પણ મહત્વપૂર્ણ વિકલ્પ બની છે. મુસાફરો સ્ટેશનના ટિકિટ કાઉન્ટર ઉપર લાંબી કતારમાં ઊભા રહ્યા વગર મોબાઇલ મારફતે અનારક્ષિત ટિકિટ બુક કરી શકે છે. અનારક્ષિત ટિકિટનું ભાડું યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ સહિતના ડિજિટલ માધ્યમથી ચૂકવવામાં આવે તો ૩ ટકા છૂટ મળે છે. આ યોજના અગાઉ ૧૪ જુલાઈ સુધી હતી, પરંતુ રેલવે દ્વારા તેને લંબાવી ૩૧ માર્ચ, ૨૦૨૭ સુધી ચાલુ રાખવામાં આવી છે. આર-વૉલેટ મારફતે થતી બુકિંગ માટેની ૩ ટકા કેશબેક વ્યવસ્થા અલગથી ચાલુ છે. 

 

‘રેલવન’ માત્ર અનારક્ષિત ટિકિટ પૂરતી મર્યાદિત નથી. તેમાં આરક્ષિત ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ, ટ્રેનની સ્થિતિ, ફરિયાદ, ભોજન સહિત અનેક મુસાફર સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સત્તાવાર આંકડા મુજબ ૨૨ જુલાઈ સુધી એપના ૪.૫૫ કરોડથી વધુ ડાઉનલોડ નોંધાયા હતા અને દરરોજ સરેરાશ ૯.૬૫ લાખ ટિકિટ બુક થતી હતી. રેલવે મુસાફરોને ડિજિટલ વ્યવહાર તરફ વાળવા સાથે સ્ટેશનોના ટિકિટ કાઉન્ટર ઉપરનો ધસારો ઘટાડવાનો પણ આ યોજનાનો હેતુ છે. 

(7:23 PM IST)