<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રેલવે સહયોગનું નવું સીમાચિહ્ન: ભારતીય રેલવે ૧૨ ઓગસ્ટે બાંગ્લાદેશ માટે ૨૦ LHB કોચનો પ્રથમ રેક કરશે રોલઆઉટ!

કપૂરથલાની રેલ કોચ ફેક્ટરી (RCF) દ્વારા નિર્મિત કસ્ટમાઇઝ્ડ આધુનિક કોચ પડોશી દેશની જરૂરિયાતો પૂરી કરવા સજ્જ; મેક ઈન ઈન્ડિયા ક્ષમતાનો વિદેશમાં પરચો

નવી દિલ્હી : ભારતીય રેલવે અને બાંગ્લાદેશ રેલવે વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવતી એક મહત્વપૂર્ણ ઘટનામાં, ભારતીય રેલવે ૧૨ ઓગસ્ટે બાંગ્લાદેશ માટે વિશેષરૂપે તૈયાર કરાયેલા ૨૦ લિંક હોફમેન બુશ (LHB) બ્રોડ-ગેજ પેસેન્જર કોચનો પ્રથમ રેક રજૂ કરવા માટે સજ્જ છે. પંજાબના કપૂરથલા સ્થિત રેલ કોચ ફેક્ટરી (RCF) દ્વારા ઉત્પાદિત આ કોચ બાંગ્લાદેશ રેલવેની ચોક્કસ જરૂરિયાતો અને આધુનિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે.

 

વિવિધ વેરિઅન્ટ્સ ધરાવતો આધુનિક ૨૦-કોચનો રેક

આ પ્રથમ રેકમાં ૩ AC સ્લીપર કાર, ૩ AC ચેર કાર, ૧૨ નોન-AC ચેર કાર અને ૨ પાવર કારનો સમાવેશ થાય છે. રેલવે મંત્રાલયના સૂત્રો મુજબ, આ કોચમાં ઘણી એવી અનોખી ડિઝાઇન અને તકનીકી ફેરફારો કરવામાં આવ્યા છે જે LHB ટાઇપ કોચમાં પ્રથમ વખત જોવા મળશે. આ પ્રોજેક્ટ માત્ર એક નિકાસ ઓર્ડર નથી પરંતુ આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે કસ્ટમાઇઝ્ડ રેલવે ઉત્પાદનો બનાવવામાં RCF ની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ ક્ષમતા અને 'મેક ઇન ઇન્ડિયા' ની સફળતા દર્શાવે છે.

 

૨૦૦ કોચના મોટા ઓર્ડરની દિશામાં પહેલું પગલું

ભારતીય રેલવે અને બાંગ્લાદેશ વચ્ચે રેલવે ક્ષેત્રે સહયોગ ૨૦૧૫-૧૬ થી ચાલી રહ્યો છે, જ્યારે RCF એ ૧૨૦ LHB કોચ સપ્લાય કર્યા હતા. તે સફળતાના આધારે ૨૦૨૪ માં બાંગ્લાદેશ રેલવેએ RITES મારફતે સાત અલગ-અલગ પ્રકારોમાં ૨૦૦ બ્રોડ-ગેજ કોચ માટે RCF ને નવો પ્રતિષ્ઠિત ઓર્ડર આપ્યો હતો. પ્રથમ રેકનું આ રોલઆઉટ વૈશ્વિક રેલવે માર્કેટમાં ભારતીય ઉત્પાદકો માટે નવા દ્વાર ખોલશે અને બંને દેશો વચ્ચેના વેપાર તથા પ્રવાસી વાહનવ્યવહારને વધુ મજબૂત બનાવશે.

 

(8:22 PM IST)