હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૦ અને ૨૦ રૂપિયાની ૧ અબજ પ્લાસ્ટિક નોટોના ટ્રાયલ માટે RBI ને કેન્દ્રની મંજૂરી
કાગળની નોટો છાપવાનો ₹૬,૩૭૨ કરોડથી વધુનો ખર્ચ ઘટશે : નકલી નોટો સામે સુરક્ષા ધરાવતી પોલિમર નોટો કાગળની નોટોની સાથે જ ચલણમાં રહેશે

નવી દિલ્હી : ટૂંક સમયમાં તમારા ખિસ્સા કે પર્સમાં એવી નોટો જોવા મળશે જે પાણીમાં પલળવાથી ઓગળશે નહીં કે ખેંચવાથી ફાટશે નહીં. ભારતીય રિઝર્વ બેંક ને કેન્દ્ર સરકાર તરફથી ૧૦ અને ૨૦ રૂપિયાના મૂલ્યની ૧ અબજ પોલિમર (પ્લાસ્ટિક) નોટોના ફિલ્ડ ટ્રાયલ માટે લીલી ઝંડી મળી ગઈ છે. રાજ્યસભામાં નાણામંત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, RBI એક્ટ ૧૯૩૪ ની કલમ ૨૫ હેઠળ આ મહત્વપૂર્ણ મંજૂરી આપવામાં આવી છે, જેથી દેશમાં ટકાઉ અને વધુ સુરક્ષિત ચલણી નોટોના નવા યુગની શરૂઆત થઈ શકે.
આ નવી પ્લાસ્ટિક નોટો કાગળની નોટોને તાત્કાલિક બદલશે નહીં, પરંતુ તેની સાથે જ ચલણમાં ફરતી રહેશે. સરકારના જણાવ્યા મુજબ, હાલમાં પોલિમર નોટોની છાપકામ પ્રક્રિયા પ્રારંભિક તબક્કામાં છે, તેથી તેના સત્તાવાર લોન્ચિંગની ચોક્કસ તારીખ કે ખર્ચનો આંકડો જાહેર કરાયો નથી. પરંતુ સફળ ફિલ્ડ ટ્રાયલ બાદ તેને નિયમિતપણે જારી કરવામાં આવશે, જેનાથી કાગળની નોટો પરનું નિર્ભરતા અને વારંવાર નવી નોટો છાપવાનો બોજ નોંધપાત્ર રીતે ઘટશે.
પ્લાસ્ટિક નોટોનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પાણી, ધૂળ અને ગંદકી સામે સંપૂર્ણ પ્રતિરોધક છે તથા તેમાં અત્યાધુનિક સુરક્ષા ફીચર્સ ઉમેરી શકાતા હોવાથી નકલી નોટો બનાવવી અશક્ય બની જશે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માં કાગળની નોટો છાપવા પાછળ આરબીઆઈએ ₹૬,૩૭૨.૮ કરોડનો જંગી ખર્ચ કર્યો હતો. જો આ ટ્રાયલ સફળ રહેશે તો લાંબા ગાળે સરકારને હજારો કરોડ રૂપિયાની બચત થશે, જોકે વર્તમાન કાગળની નોટો પણ તેના આયુષ્ય સુધી ચલણમાં માન્ય જ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
