હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓમાનના અખાતમાં મોટો સૈન્ય સંઘર્ષ: અમેરિકી લશ્કરી હેલિકોપ્ટરે પનામાના જહાજ પર ગોળીબાર કર્યો
ઈરાની બંદરો પર યુએસ નેવીની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરતા "વેલા નોવા" કન્ટેનર જહાજના રડાર પર સૈન્ય કાર્યવાહી : ચેતવણીઓ અવગણ્યા બાદ ઓમાન નજીક દરિયાઈ ઉત્તેજના વધી

વોશિંગ્ટન : ઓમાનના અખાતમાં મધ્ય પૂર્વના યુદ્ધ અને પ્રાદેશિક તણાવ વચ્ચે એક ગંભીર દરિયાઈ સંઘર્ષ સામે આવ્યો છે, જ્યાં એક અમેરિકન લશ્કરી હેલિકોપ્ટરે પનામાના ધ્વજ ધરાવતા માલવાહક જહાજ પર ગોળીબાર કર્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકી સૈન્ય અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, ઈરાની બંદરો પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નૌકાદળ નાકાબંધી નો ભંગ કરીને આગળ વધવાનો પ્રયાસ કરી રહેલા આ જહાજને અટકાવવા માટે આ આક્રમક પગલું ભરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, પનામાના ધ્વજવાળા "વેલા નોવા" નામના કન્ટેનર જહાજના ક્રૂ મેમ્બર્સે ઈરાની જળસીમા તરફ આગળ વધતી વખતે યુએસ નેવીના કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલી વારંવારની ચેતવણીઓને અવગણી હતી. જેના પરિણામે યુએસ મિલિટ્રી હેલિકોપ્ટરે જહાજના રડાર સિસ્ટમ અને નેવિગેશન કંટ્રોલને લક્ષ્ય બનાવીને સીધો ગોળીબાર કર્યો હતો. બ્રિટિશ સિક્યોરિટી ગ્રૂપ વાનગાર્ડના પ્રારંભિક અહેવાલોમાં મિસાઇલ હુમલાની શંકા વ્યક્ત કરાઈ હતી, પરંતુ પાછળથી અમેરિકન અધિકારીઓએ હેલિકોપ્ટર દ્વારા ચોક્કસ ટાર્ગેટ પર ફાયરિંગ કરાયું હોવાની પુષ્ટિ કરી હતી.
આ સૈન્ય કાર્યવાહીમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ જહાજને ભારે નુકસાન પહોંચ્યું છે. હુમલા બાદ જહાજમાંથી ક્રૂ સભ્યોને બચાવીને અન્ય એક નાગરિક જહાજમાં સ્થાનાંતરિત કરવાના પ્રયાસો શરૂ કરાયા હોવાના અહેવાલ છે. ઈરાન આસપાસના દરિયાઈ માર્ગો અને હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય જળસીમામાં વ્યાપારી જહાજોની સુરક્ષા અને અમેરિકા-ઈરાન વચ્ચેના લશ્કરી સંઘર્ષમાં મોટો વિસ્ફોટ થવાની આશંકા વધી ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
