તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૩ સોમવાર
૧૩૫ કિલોથી ૮૯ કિલો! કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ૪૬ કિલો વજન ઘટાડવાના સનસનાટીભર્યા રહસ્ય પરથી ઊંચકાયો પડદો!
કોવિડ-૧૯ મહામારી દરમિયાન નજીકના મિત્રો ગુમાવ્યા બાદ ફિટનેસ પ્રત્યે જાગ્યા; દરરોજ અઢી કલાકની કડક કસરત અને શિસ્તબદ્ધ જીવનશૈલીથી મેળવ્યું શાનદાર ટ્રાન્સફોર્મેશન.

નવી દિલ્હી: તા.12 સામાન્ય રીતે વજન ઘટાડવાની વાર્તાઓ જટિલ ડાયેટ પ્લાન અને અશક્ય લાગતા નિયમોમાં અટવાયેલી હોય છે, પરંતુ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની ફિટનેસ સફર એક તદ્દન અલગ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. એક સમયે ૧૩૫ કિલો વજન ધરાવતા ગડકરીએ કડક અનુશાસન અને કસરતના બળે પોતાનું વજન ઘટાડીને ૮૯ કિલો કરી દીધું છે. ૪૬ કિલો વજન ઘટાડવાનો આ ચમત્કાર તેમણે માત્ર દેખાવ સુધારવા માટે નહીં પરંતુ પોતાના સ્વાસ્થ્યને સંપૂર્ણપણે નવજીવન આપવા માટે કર્યો છે.
પ્રસિદ્ધ કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાનના યુટ્યુબ શો દરમિયાન નીતિન ગડકરીએ પોતાની આ ફિટનેસ દિનચર્યા વિશે ખુલીને વાત કરી હતી. રાજકીય વ્યસ્તતાઓ વચ્ચે પણ કસરત હવે તેમના જીવનનો અવિભાજ્ય અંગ બની ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, "રાત્રે ૧ વાગ્યા સુધી મુલાકાતો અને બેઠકો પૂરી કર્યા પછી પણ હું સવારે ૭ વાગ્યે ઉઠી જાઉં છું અને સતત અઢી કલાક કસરત કરું છું. એક સમયે મારું વજન ૧૩૫ કિલો હતું જે હવે ૮૯ કિલો છે. મારી આ નવી દિનચર્યાની સકારાત્મક અસર તમે મારા ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકો છો."
પોતાના ભૂતકાળના દિવસોને યાદ કરતા કેન્દ્રીય મંત્રીએ સ્વીકાર્યું હતું કે અગાઉ તેમનું જીવન ખૂબ જ બિનઆયોજિત અને અનુશાસનહીન હતું. પરંતુ કોવિડ-૧૯ મહામારી તેમના જીવન માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. એક પોડકાસ્ટમાં તેમણે ખુલાસો કર્યો હતો કે, કોરોના કાળ દરમિયાન તેમની સાથે રહેતા અને કામ કરતા કેટલાક નજીકના મિત્રોના અકાળે અવસાન થતાં તેમને ઊંડો આઘાત લાગ્યો હતો. આ ઘટનાએ તેમને સમજાવ્યું કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ અને સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે.
આ આઘાતજનક ચેતવણી બાદ ગડકરીએ પોતાની જીવનશૈલીમાં મોટો ફેરફાર કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. તેમણે માત્ર વજન ઘટાડવાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે રોજિંદા જીવનમાં કસરતને પ્રાથમિકતા આપી. આજે ગમે તેવી વ્યસ્તતા વચ્ચે પણ તેઓ દરરોજ અઢી કલાક વર્કઆઉટ માટે ફાળવે છે. તેમનું આ અદ્ભુત ટ્રાન્સફોર્મેશન આજે દેશના લાખો લોકો માટે ફિટનેસ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
