<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

ભારતના ૮૦મા સ્વતંત્રતા પર્વ પહેલા અમેરિકામાં પણ ઉત્સાહનો માહોલ: ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીએ ૧૫ ઓગસ્ટને ‘ભારત સ્વતંત્રતા દિવસ’ જાહેર કર્યો!

વિશ્વના સૌથી જૂના અને વિશાળ લોકશાહી દેશો વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યો; ભારતીય-અમેરિકન સમુદાયના યોગદાન અને સંસ્કૃતિને માન આપતા બંને રાજ્યોના ગવર્નર દ્વારા સત્તાવાર ઘોષણા.


ન્યૂ યોર્ક: તા.12 વિશ્વભરમાં પથરાયેલો ભારતીય સમુદાય આ વર્ષે ભારતનો ૮૦મો સ્વતંત્રતા દિવસ ખાસ ઉત્સાહ સાથે મનાવવાની તૈયારીઓ કરી રહ્યો છે, ત્યારે અમેરિકાથી ભારતીયો માટે ખૂબ જ ગૌરવપૂર્ણ અને આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સના બે મુખ્ય અને પ્રભાવશાળી રાજ્યો – ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીએ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ ના દિવસને સત્તાવાર રીતે ‘ભારતનો સ્વતંત્રતા દિવસ’ (India Freedom Day) તરીકે માન્યતા આપીને જાહેરાત કરી છે.

 

ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોચુલ અને ન્યૂ જર્સીના ગવર્નર મિકી શેરિલ દ્વારા આ ઐતિહાસિક ઘોષણાઓ કરવામાં આવી છે. આ અંગે ન્યૂ યોર્કમાં આવેલા ભારતના કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘોષણાઓ શેર કરીને બંને ગવર્નરનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. બંને રાજ્યોના વડાઓએ ભારતની લોકશાહી પ્રગતિ અને અમેરિકાના સામાજિક, સાંકૃતિક અને આર્થિક વિકાસમાં ભારતીય-અમેરિકન સમુદાયના અમૂલ્ય યોગદાનની મુક્ત મને પ્રશંસા કરી છે.

 

અમેરિકામાં વસતા લગભગ ૫૪ લાખ (૫.૪ મિલિયન) ભારતીય મૂળના લોકો માટે આ માન્યતા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીમાં ભારતીયોની વિશાળ વસ્તી રહે છે. દર વર્ષે અહીં ભવ્ય પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. આ સત્તાવાર માન્યતાથી યુએસમાં વસતી નવી પેઢીને ભારતના મહાન સ્વતંત્રતા સંગ્રામ, સંસ્કૃતિ અને ૧૯૪૭ થી અત્યાર સુધીની ભારતની અદ્ભુત વિકાસયાત્રા સાથે જોડાવવાની એક સુવર્ણ તક મળશે.

(3:49 PM IST)