News of Wednesday, 12th August 2026
બલુચિસ્તાનની સ્વતંત્રતાની ઉજવણી પર પાકિસ્તાની સેનાનો બોમ્બમારો: અસીમ મુનીર આર્મીએ રાતના અંધારામાં ફાઇટર જેટથી વરસાવ્યો વિનાશ, ૨૮ નિર્દોષ નાગરિકોના કરૂણ મોત!
સુરાબ જિલ્લાના ગોંધન ગામમાં મધ્યરાત્રિએ અચાનક થયેલા એરસ્ટ્રાઇકથી આખું ગામ કાટમાળમાં ફેરવાયું; માર્યા ગયેલાઓમાં ૯ નિર્દોષ બાળકો અને ૭ મહિલાઓ સામેલ હોવાથી સમગ્ર પ્રદેશમાં ભારે આક્રોશ.

ઇસ્લામાબાદ: તા.12 પાકિસ્તાની સેનાએ ફરી એકવાર પોતાની જ જનતા પર નિર્દયી આતંક મચાવીને ક્રૂરતાની તમામ સીમાઓ વટાવી દીધી છે. બલુચિસ્તાનના સુરાબ જિલ્લામાં આવેલી ગોંધન ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં સ્થાનિક નાગરિકો દ્વારા સ્વતંત્રતાની ઉજવણી કરવાથી બોખલાયેલી જનરલ અસીમ મુનીરની સેનાએ રાતના ૨ વાગ્યે ઊંઘતા નાગરિકો પર હવાઈ હુમલો કરી દીધો હતો. આ બર્બર એરસ્ટ્રાઇકમાં પોતાના જ ઘરોમાં સૂતેલા ૨૮ નિર્દોષ બલૂચ નાગરિકો કાળનો કોળિયો બન્યા છે.
મધ્યરાત્રિએ જ્યારે સમગ્ર ગામ ગાઢ નિંદ્રામાં હતું, ત્યારે પાકિસ્તાની આર્મીના ફાઇટર જેટ વિમાનોએ આકાશમાંથી બોમ્બમારો શરૂ કર્યો હતો. જોતજોતામાં આખું ગામ કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું હતું. આ ભયાનક હુમલામાં ૯ નિર્દોષ બાળકો, ૭ લાચાર મહિલાઓ અને ૧૨ પુરુષોના મોત નીપજ્યા છે, જ્યારે ૧૭ થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક લોકો પોતાના હાથે કાટમાળ હટાવીને પ્રિયજનોના મૃતદેહો બહાર કાઢી રહ્યા છે. ઘાયલોની નાજુક સ્થિતિને જોતાં મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે.
અહેવાલો મુજબ, આ લોહિયાળ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ બલુચિસ્તાનના લોકોમાં વધતી સ્વતંત્રતાની ઈચ્છા છે. ઘટનાના એક દિવસ પહેલા જ બલૂચ નાગરિકોએ પાકિસ્તાનથી મુક્તિ અને પોતાની આઝાદીની ઉજવણી કરી હતી. શેરીઓમાં બલુચિસ્તાનના ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા અને પાકિસ્તાની સરકાર તથા આર્મી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા. આ બળવાખોર વલણથી કોપાયમાન થયેલા લશ્કરી વડા અસીમ મુનીરે બલૂચ પ્રજાનો અવાજ દબાવવા અને ખૌફ પેદા કરવા માટે પોતાની સેનાને બોમ્બમારાની છૂટ આપી દીધી હતી.
કુદરતી ગેસ, સોનું અને તાંબા જેવા મૂલ્યવાન સંસાધનોથી સમૃદ્ધ હોવા છતાં પાકિસ્તાની શાસકો દ્વારા બલુચિસ્તાનનું સતત શોષણ કરવામાં આવી રહ્યું છે. ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) જેવા પ્રોજેક્ટ્સ અને લશ્કરી અત્યાચારોને કારણે બલૂચ પ્રજામાં ભારે રોષ છે. વર્ષોથી ચાલતા આ શોષણ, અપહરણ અને નકલી એન્કાઉન્ટરોથી કંટાળીને બલુચિસ્તાનના લોકો પાકિસ્તાનથી અલગ થવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે, જેને દબાવવા માટે પાકિસ્તાની સેના હવે પોતાના જ નાગરિકો પર ફાઇટર પ્લેનથી હુમલા કરવા જેવી નિર્દયી હરકતો પર ઉતરી આવી છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
