હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

પટના : સંકલ્પ અને અડગ મનોબળ આગળ મોટામાં મોટા પડકારો પણ ઘૂંટણ ટેકવી દે છે, તેનું ઉત્તમ ઉદાહરણ બિહારના પટનાના રહેવાસી ઉજ્જવલ પ્રિયંકે પૂરું પાડ્યું છે. દેશની સૌથી કઠિન ગણાતી UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા ૨૦૨૫ માં ઓલ ઇન્ડિયા ૧૦મો રેન્ક (AIR 10) હાસિલ કરીને ઉજ્જવલે IAS બનવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. કોઈ પણ મોટા કોચિંગ ક્લાસ વગર કે દિલ્હી ગયા વિના, માત્ર સ્વ-અભ્યાસ (Self-study) ના દમ પર ઉજ્જવલે મેળવેલી આ સિદ્ધિ લાખો યુવાનો માટે પ્રેરણાસ્રોત બની છે.
ઉજ્જવલની આ સફળતા પાછળ તેની માતાનું અપ્રતિમ યોગદાન અને પ્રોત્સાહન રહ્યું છે. ૧૨મા ધોરણમાં ૯૬% ગુણ મેળવ્યા બાદ તેમણે જયપુરથી બી.ટેક પૂર્ણ કર્યું અને ISRO માં પણ ઇન્ટર્નશિપ કરી હતી. સામાન્ય રીતે UPSC ની તૈયારી માટે યુવાનો દિલ્હી તરફ વળતા હોય છે, પરંતુ ઉજ્જવલે પટનામાં જ રહીને યુટ્યુબ, ઓનલાઇન ટેસ્ટ સિરીઝ અને મર્યાદિત પુસ્તકોના વારંવાર પુનરાવર્તન દ્વારા તૈયારી ચાલુ રાખી હતી.
તૈયારી દરમિયાન ઉજ્જવલને શરૂઆતી પ્રયાસોમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. એકવાર ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા બાદ અંતિમ યાદીમાં નામ ન આવ્યું અને બીજા પ્રયાસમાં પ્રિલિમ્સ પરીક્ષા પણ પાસ ન થઈ શકી. આ નિષ્ફળતાથી તેઓ ભાંગી પડ્યા હતા, પરંતુ તે સમયે તેમની માતાના પ્રેમભર્યા શબ્દો અને અખૂટ વિશ્વાસે તેમનામાં નવો પ્રાણ પૂરી દીધો. માતાના પ્રોત્સાહને તેમને બમણી મહેનત કરવા માટે પ્રેરિત કર્યા.
પોતાની ખામીઓ પર કામ કરીને અને શિસ્તબદ્ધ રણનીતિ અપનાવીને ઉજ્જવલે ત્રીજા પ્રયાસમાં ઓલ ઇન્ડિયા ૧૦મો રેન્ક પ્રાપ્ત કરી બતાવ્યો. તેમની આ સફળતા સાબિત કરે છે કે જો સચોટ માર્ગદર્શન, પરિવારનો સહયોગ અને દૃઢ નિશ્ચય હોય, તો મોટા શહેરોના મોંઘા કોચિંગ વિના પણ દેશની સર્વોચ્ચ પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવી શકાય છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM