<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

દિલ્હીમાં આધ્યાત્મિક અને વારસાગત પર્યટનને મળશે નવી ઉડાન: અક્ષરધામ મંદિરથી CM રેખા ગુપ્તાએ ચાર નવા ટૂરિઝમ સર્કિટનો કર્યો શુભારંભ!

'આધ્યાત્મિક અને વારસાગત પર્યટન સંમેલન ૨૦૨૬' માં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ રહ્યા ઉપસ્થિત; દિલ્હીના સમૃદ્ધ ઐતિહાસિક અને ધાર્મિક વારસાને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવાનો માસ્ટરપ્લાન.

નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીની સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક પર્યટન માનચિત્ર પર નવું સ્થાન અપાવવા માટે દિલ્હી સરકારે એક મોટું કદમ ઉઠાવ્યું છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિશ્વપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર પરિસરમાંથી દિલ્હીના પર્યટન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ચાર નવા ટૂરિઝમ સર્કિટનો ઉદ્ઘાટન કરી સત્તાવાર પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે સંબંધિત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

દિલ્હી સરકારના પર્યટન વિભાગ દ્વારા આયોજિત 'આધ્યાત્મિક અને વારસાગત પર્યટન સંમેલન ૨૦૨૬' અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ શ્રી જગ્ગી વાસુદેવજીએ પણ વિશેષ હાજરી આપી હતી. તેમણે અક્ષરધામ મંદિરના દર્શન કરી તેની અદ્ભુત સ્થાપત્ય ભવ્યતા અને દિવ્યતાના મુક્ત મને વખાણ કર્યા હતા. સંમેલનના ભાગરૂપે અક્ષરધામ પરિસરમાં એક વિશેષ 'હેરીટેજ વૉક' પણ યોજવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત લોકોને દિલ્હીના પ્રાચીન વારસાની ઝીણવટભરી વિગતોથી પરિચિત કરાવાયા હતા.

 

આ નવા ચાર ટૂરિઝમ સર્કિટમાં દિલ્હીના પ્રમુખ ધાર્મિક સ્થળો ઉપરાંત અત્યાર સુધી પર્યટનના નકશા પર અણસ્પર્શાયેલા કે ઓછી ચર્ચા પામેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોને સાંકળી લેવામાં આવ્યા છે. આ પહેલથી પ્રવાસીઓ દિલ્હીમાં વધુ સમય રોકાશે, જેનાથી સ્થાનિક ગાઇડ, ટ્રાન્સપોર્ટ સંચાલકો, રેસ્ટોરાં અને નાના વેપારીઓ માટે રોજગારી અને આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે. કાર્યક્રમના આયોજનમાં BAPS સંસ્થાના અક્ષરધામ પ્રભારી પૂજ્ય મુનિવત્સલ સ્વામીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી, જ્યારે સંસ્થાના વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજે તમામ નાગરિકોના સુખ-સમૃદ્ધિ માટે શુભેચ્છા પાઠવી હતી.

 

(6:35 PM IST)