News of Wednesday, 12th August 2026
ડિજિટલ ઇન્ડિયાની ઐતિહાસિક છલાંગ: ડિજીલોકરના યુઝર્સ ૭૨ કરોડ પાર, ઉમંગ એપ પર નોંધાયા ૧૧.૬૬ કરોડથી વધુ નાગરિકો!
રાજ્યસભામાં કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રજૂ કર્યા આંકડા; દેશભરમાં ૪ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર સક્રિય, જેમાં ૭૦ હજારથી વધુ મહિલા સીએસસી એન્ટરપ્રિન્યોર.

નવી દિલ્હી : ભારત સરકારના 'ડિજિટલ ઇન્ડિયા' અભિયાને દેશમાં સેવાઓના વિતરણ અને દસ્તાવેજોના સંચાલનમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં ડિજીલોકર (DigiLocker) ના નોંધાયેલા વપરાશકર્તાઓની સંખ્યા ૭૨.૪૩ કરોડને વટાવી ગઈ છે. આ સમયગાળા દરમિયાન પ્લેટફોર્મ પરથી આશરે ૭૨.૮૬ કરોડ દસ્તાવેજ ઍક્સેસ વ્યવહારો નોંધાયા છે, જે કાગળમુક્ત અને પારદર્શી શાસન તરફ ભારતના મજબૂત પગલાંને દર્શાવે છે.
આ ઉપરાંત, સરકારી સેવાઓ એક જ જગ્યાએ પૂરી પાડતી 'ઉમંગ' (UMANG) એપ્લિકેશને પણ નવો વિક્રમ સર્જ્યો છે. પ્લેટફોર્મ પર ૧૧.૬૬ કરોડથી વધુ યુઝર્સ નોંધાયા છે, જેમણે છેલ્લા ત્રણ વર્ષમાં આશરે ૭૯૮ કરોડ જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કર્યા છે. હાલમાં ઉમંગ પર કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારોની કુલ ૨,૫૭૫ સેવાઓ ઉપલબ્ધ છે, જ્યારે ડિજીલોકર પર ૫,૪૩૭ વિવિધ પ્રકારના દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રીતે એક્સેસ કરી શકાય છે.
ડિજિટલ સેવાઓને દેશના છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવામાં કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs) નો ફાળો મહત્વપૂર્ણ રહ્યો છે. ગ્રામ પંચાયત સ્તરે ૪,૦૭,૧૨૨ સીએસસી કાર્યરત થઈ ચૂક્યા છે, જેમાંથી ૭૦,૦૬૯ કેન્દ્રોનું સંચાલન મહિલા ગ્રામ્ય ઉદ્યોગસાહસિકો (VLEs) દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઇ-સાઇન અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા આ પ્લેટફોર્મ્સ નાગરિકોને ગમે ત્યાંથી સુરક્ષિત અને સરળતાથી સરકારી સેવાઓ મેળવવાની સુવિધા પૂરી પાડી રહ્યા છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
