હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હાથના સ્પર્શથી લાગશે વીજળીનો આંચકો: અમેરિકી ઇમિગ્રેશન અધિકારીઓ પહેરશે $20 મિલિયનના સ્પેશિયલ ઇલેક્ટ્રિક ગ્લોવ્ઝ
અમેરિકાની ICE એજન્સી વિરોધ પ્રદર્શન કરનારાઓ અને શંકાસ્પદ વ્યક્તિઓને સેકન્ડોમાં કાબુમાં લેવા માટે ટેકનોલોજી આધારિત 'G.L.O.V.E.' નામના હજારો હાઇ-ટેક ઉપકરણો ખરીદવાની તૈયારી

વોશિંગ્ટન: યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) પોતાના અધિકારીઓને વધુ સશક્ત અને આધુનિક બનાવવા માટે એક અનોખા અને આઘાતજનક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા જારી કરાયેલી નોટિસ મુજબ, માર્ચ 2026 સુધીમાં એજન્સી પોતાના હજારો અધિકારીઓ માટે ખાસ પ્રકારના ઇલેક્ટ્રિક શોક આપતા ગ્લોવ્ઝ ખરીદવા પાછળ આશરે $20 મિલિયન (અંદાજે ₹191 કરોડ) નો ખર્ચ કરવા જઈ રહી છે. આ ગ્લોવ્ઝને "G.L.O.V.E." (Generated Low Output Voltage Emitter) નામ આપવામાં આવ્યું છે, જે કેન્ટુકી સ્થિત કમ્પ્લાયન્ટ ટેક્નોલોજીસ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યા છે.
આ ટેકનોલોજી આધારિત ગ્લોવ્ઝ સામાન્ય પેટ્રોલીંગ મોજાની જેમ જ કામ કરે છે, પરંતુ અધિકારીઓ તેમાં આપેલી એક ગુપ્ત સ્વીચ દબાવતાની સાથે જ તેનો ઇલેક્ટ્રિક મોડ સક્રિય થઈ જાય છે. જ્યારે આ ગ્લોવ્ઝ પહેરેલો હાથ સીધો વ્યક્તિની ત્વચા સાથે સ્પર્શ થાય છે, ત્યારે મધમાખીના ડંખ જેવી અત્યંત તીવ્ર અને અચાનક પીડા ઉત્પન્ન થાય છે. આ ટેકનોલોજીની મદદથી અધિકારીઓ કોઈપણ હિંસક અથવા વિરોધ કરતા શંકાસ્પદ વ્યક્તિને માત્ર ત્રણ જ સેકન્ડમાં કોઈ પણ કાયમી ડાઘ કે ઈજા પહોંચાડ્યા વગર સરળતાથી કાબુમાં લઈ શકે છે.
બીજી તરફ, આ યોજના જાહેર થતાં જ અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU) સહિતના સંગઠનો અને માનવાધિકાર કાર્યકર્તાઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. બટન દબાવતા જ ગુપ્ત રીતે શોક આપતા આ સાધનનો દુરુપયોગ થવાની અને સામાન્ય લોકો પર વધુ પડતું બળપ્રયોગ થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, ઉત્પાદક કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઉપકરણોનો ઉપયોગ સજા આપવા માટે કે સગર્ભા સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગો પર કરી શકાશે નહીં અને અધિકારીઓએ તેનો ઉપયોગ કરવા માટે દર બે વર્ષે ફરજિયાત તાલીમ લેવી પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
