News of Wednesday, 12th August 2026
ઓનલાઇન ખરીદી કે ઓફલાઇન સ્ટોર? કંપનીઓ કેમ વેચી રહી છે બંને જગ્યાએ અલગ-અલગ પ્રોડક્ટ્સ!
ઈ-કોમર્સ પર મળતા ભારે ડિસ્કાઉન્ટ અને સ્થાનિક ડીલરોના અસંતોષને બેલેન્સ કરવા માટે એલજી, હાયર અને અગ્રણી ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સે અપનાવી અલગ-અલગ મોડેલ્સ, ફીચર્સ અને વોરંટી આપવાની નવી ચતુર રણનીતિ

નવી દિલ્હી: જો તમે પણ ઓનલાઇન પ્લેટફોર્મ પર ટીવી, રેફ્રિજરેટર કે એર કંડિશનર જોઈને સ્થાનિક ઇલેક્ટ્રોનિક્સ સ્ટોરમાં તે જ મોડેલ શોધવા જાઓ છો અને નિરાશા સાંપડે છે, તો તે કોઈ યોગાનુયોગ નથી. ગ્રાહકોને આકર્ષવા અને બજારમાં વેચાણનો સમતોલ બનાવવા માટે દેશની અગ્રણી હોમ એપ્લાયન્સિસ અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓએ એક નવી વેપાર વ્યૂહરચના અપનાવી છે. હવે ઓનલાઇન શોપિંગ સાઇટ્સ અને ભૌતિક (ઓફલાઇન) સ્ટોર્સ માટે કંપનીઓ અલગ-અલગ મોડેલ નંબર, ફીચર્સ અને વોરંટી ઓફર કરી રહી છે, જેથી ખરીદી વખતે ગ્રાહક સીધી કિંમત સરખાવી ન શકે.
ઉદાહરણ તરીકે, એલજી (LG) જેવી જાણીતી કંપનીઓ ઓનલાઇન ખરીદીના બદલે સ્થાનિક સ્ટોરમાંથી ટીવી ખરીદવા પર ૧ થી ૨ વર્ષની વધારાની ફ્રી વોરંટી આપી રહી છે. તેવી જ રીતે હાયર (Haier) કંપની ઓનલાઇન બજારમાં વોટર ડિસ્પેન્સરવાળા પ્રોડક્ટ્સ મૂકે છે, જ્યારે સ્ટોર્સમાં ગ્લાસ ડોર કે મિરર ફિનિશ ધરાવતા પ્રીમિયમ મોડેલો ઉપલબ્ધ કરાવે છે. અહીં સુધી કે ઓનલાઇનમાં ત્રણ-દરવાજાવાળા રેફ્રિજરેટર્સ વધારે જોવા મળે છે જ્યારે ચાર-દરવાજાવાળા ફ્રિજ ઓફલાઇન સ્ટોર્સ માટે અનામત રાખવામાં આવે છે, જેથી સ્થાનિક ડીલરોનો ધંધો પણ સચવાઈ રહે.
કંપનીઓ માટે ઈ-કોમર્સ એ ગ્રાહકો સુધી પહોંચવાનો સૌથી ઝડપી રસ્તો છે, પરંતુ તેમની સાથે જોડાયેલા ૩૫,૦૦૦ થી વધુ નાના-મોટા સ્ટોર્સના ડીલર નેટવર્કને બચાવવું પણ એટલું જ જરૂરી છે. હાલમાં ટીવી અને માઇક્રોવેવનું કુલ વેચાણ ૪૦ થી ૪૫ ટકા ઓનલાઇન થાય છે, જ્યારે એસી અને વોશિંગ મશીનમાં આ હિસ્સો ૨૨ ટકા છે. આ સંજોગોમાં ગ્રાહકોએ માત્ર કિંમત જોઈને નિર્ણયો લેવાને બદલે પ્રોડક્ટના મોડેલ નંબર, ફીચર્સ, એનર્જી રેટિંગ અને કંપની આપતી વોરંટી જેવી વિગતો બારીકાઈથી ચકાસીને જ ખરીદી કરવી હિતાવહ છે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
