<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

'રીલ્સ છોડો અને આત્મકથાઓ વાંચો': વડાપ્રધાન નરેન્દ્ર મોદીની Gen-Z યુવાનોને આંખ ઉઘાડનારી ખાસ સલાહ!

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પુસ્તક વિમોચન પ્રસંગે PM મોદીની અપીલ; કહ્યું- 'શોર્ટકટ જિંદગી ટૂંકી કરી શકે છે, બીજાના જીવન સંઘર્ષમાંથી પ્રેરણા લો'.

નવી દિલ્હી: આજના ડીજિટલ યુગમાં જ્યાં યુવા પેઢી (Gen-Z) પોતાનો મોટોભાગનો સમય સ્માર્ટફોન પર 'રીલ્સ' સ્ક્ર્રોલ કરવામાં વિતાવે છે, ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી ટકોર કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાના વિમોચન પ્રસંગે સંબોધન કરતાં PM મોદીએ યુવાનોને શોર્ટકટ છોડીને દેશના મહાનુભાવોના જીવન સંઘર્ષમાંથી પ્રેરણા લેવા અને પુસ્તકો તથા આત્મકથાઓ વાંચવાની ટેવ પાડવા અપીલ કરી હતી.

 

વડાપ્રધાને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ પર ચિંતા વ્યક્ત કરતાં રેલવે સ્ટેશનની ચેતવણીનો ઉલ્લેખ કર્યો હતો કે, "જેમ રેલવે સ્ટેશન પર લખેલું હોય છે કે 'શોર્ટકટ તમારી જિંદગી ટૂંકી કરી શકે છે', તેમ જીવનમાં પણ શોર્ટકટ નુકસાન પહોંચાડી શકે છે." તેમણે ઉમેર્યું હતું કે આત્મકથાઓ વાંચવાથી યુવાનોને ઇતિહાસ અને જીવનના સાચા અનુભવો સમજાશે. રામનાથ કોવિંદના પુસ્તક 'ટ્રાયમ્ફ ઑફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સ' ના વિમોચન વખતે તેમણે પૂર્વ રાષ્ટ્રપતિના જીવનના સંકલ્પબળ અને નિવૃત્તિ પછી પણ 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' જેવી મહત્વની પહેલોમાં તેમના યોગદાનની ભારે પ્રશંસા કરી હતી.

 

ઉલ્લેખનીય છે કે, ભાજપ અને સરકાર સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા યુવાનો સાથે કનેક્ટ થવા સતત પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે PM મોદીએ વિપરીત પરિસ્થિતિઓ સામે હાર ન માનતા અને 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરી શકે તેવા દૃઢ મનોબળ ધરાવતા યુવાનો તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો.

 

(8:06 PM IST)