જામનગર : અનંત અંબાણી દ્વારા સ્થાપિત 'વનતારા' એ 'વિશ્વ હાથી દિવસ' ના પવિત્ર અવસરે ભારત અને વિશ્વભરમાં હાથીઓના સંરક્ષણ તથા કલ્યાણની વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટેના પોતાના વ્યાપક મિશનની વિગતો જાહેર કરી છે. વનતારા ખાતે પ્રથમ રેસ્ક્યૂ કરાયેલી 'ગૌરી' નામની માદા હાથીથી શરૂ થયેલી આ દયા અને કરુણાની સફર આજે ૨૬૦ થી વધુ એશિયાઈ હાથીઓ માટે ગરિમાપૂર્ણ જીવન આપતું વિશ્વનું અગ્રણી કેન્દ્ર બની ચૂકી છે. આ પ્રસંગે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે દરેક હાથીનું કલ્યાણ અને તેમની દેખભાળ કરતા મહાવતોને સહયોગ આપવો એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે હાથ ધરાયેલી મુખ્ય પહેલો:
- જયપુર 'હાથી ગામ' નો વિકાસ: રાજસ્થાન વન વિભાગ સાથે મળીને જયપુરના હાથી ગામ ખાતે એક અત્યાધુનિક 'એલિફન્ટ ટ્રીટમેન્ટ એન્ડ કેર ફેસિલિટી' ઊભી કરવામાં આવશે. જેમાં અદ્યતન હોસ્પિટલ, ન્યુટ્રિશન સેન્ટર, હાઇડ્રોથેરાપી અને વૃદ્ધ હાથીઓ માટે 'રિટાયરમેન્ટ સેન્ટર' નો સમાવેશ થાય છે.
- રાષ્ટ્રીય આઉટરીચ પ્રોગ્રામ: અસમ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા અને આંદામાન-નિકોબારના ૮ સ્થળોએ વન વિભાગના સહયોગથી ૧૮૨ હાથીઓ અને ૨૪૨ મહાવતોને આવરી લેતો કલ્યાણકારી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરાયો છે.
- 'માય ફ્રેન્ડ લીલાવતી' અભિયાન: બાળકોમાં પ્રાણીઓ પ્રત્યે કરુણા જગાડવા માટે સર્કસની આગમાંથી બચેલી 'લીલાવતી' હાથીની વાર્તા પર આધારિત સોશિયલ મીડિયા ચેલેન્જ શરૂ કરાઈ છે, જેના વિજેતા બાળકોને વનતારાની મુલાકાત લેવાની તક મળશે.
- વૈશ્વિક માનવ-હાથી સંઘર્ષ સમિટને સહયોગ: માર્ચ ૨૦૨૭ માં બેંગકોક ખાતે યોજાનારી પ્રથમ વૈશ્વિક માનવ-હાથી સંઘર્ષ સમિટ માટે વનતારા 'EPI ફાઉન્ડેશન' ને આર્થિક અનુદાન પૂરૂં પાડી રહ્યું છે, જેથી ૧૩ એશિયાઈ અને આફ્રિકન દેશોના પ્રતિનિધિઓ તથા યુવાનો આંતરરાષ્ટ્રીય મંચ પર એકઠા થઈ શકે.