<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

દિલ્હીના સત્તાકોરિડોરમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારની ગૂંજ: નિર્મલા સીતારામનનું ખાતું બદલાય રહ્યું છે : નાણાં મંત્રાલય માટે પીયૂષ-શક્તિકાંતના નામ ચર્ચામાં: સત્તાવાર મહોર બાકી - ન્યુઝફર્સ્ટ

નાણાં, વીજળી, માર્ગ પરિવહન, માળખાકીય વિકાસ, ઉદ્યોગ, રમતગમત, પેટ્રોલિયમ અને શહેરી વિકાસ જેવા મહત્વના વિભાગોમાં ફેરફાર અંગે ભારે અટકળો: સંખ્યાબંધ યુવા ચહેરાઓને રાજ્યમંત્રી તરીકે સ્થાન મળી શકે: ફેરબદલ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહથી દશેરા વચ્ચે થઈ શકે

નવી દિલ્હી : કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકારમાં આગામી સમયમાં મોટા મંત્રીમંડળ ફેરફારની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. રાજકીય વર્તુળોમાં નાણાં, વીજળી, માર્ગ પરિવહન, માળખાકીય વિકાસ, ઉદ્યોગ, રમતગમત, પેટ્રોલિયમ અને શહેરી વિકાસ જેવા મહત્વના વિભાગોમાં ફેરફાર અંગે અટકળો ચાલી રહી છે. જોકે ૧૨ ઑગસ્ટ સુધી કેન્દ્ર સરકાર, રાષ્ટ્રપતિ ભવન કે વડાપ્રધાન કાર્યાલય તરફથી આવા ફેરફારની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

નાણાં મંત્રી નિર્મલા સીતારામનને અન્ય જવાબદારી સોંપવામાં આવે તેવી અટકળો અગાઉ પણ સામે આવી હતી. કેટલાક અહેવાલોમાં નાણાં મંત્રાલય માટે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને વડાપ્રધાન કાર્યાલયમાં પ્રિન્સિપલ સેક્રેટરી-૨ તરીકે કાર્યરત પૂર્વ રિઝર્વ બેન્ક ગવર્નર શક્તિકાંત દાસના નામ ચર્ચામાં હોવાનું જણાવાયું છે. પરંતુ આ પૈકી કોઈ નામને સત્તાવાર સમર્થન મળ્યું નથી.

નિર્મલા સીતારામનને શિક્ષણ મંત્રાલય સોંપાય તેવી ચર્ચા પણ છે, પરંતુ ખાસ નોંધનીય છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો પ્રહલાદ જોશીને સોંપાયો છે અને ૭ ઑગસ્ટે તેઓ સત્તાવાર રીતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી તરીકે બ્રિક્સ શિક્ષણ મંત્રીઓની બેઠકમાં હાજર રહ્યા હતા.

ચર્ચા એવી પણ છે કે અનેક મંત્રાલયોમાં યુવા ચહેરાઓને રાજ્યમંત્રી તરીકે સ્થાન મળી શકે. ફેરબદલ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહથી દશેરા વચ્ચે થઈ શકે તેવો સૂત્રાધારિત દાવો ફરતો થયો છે, પરંતુ તારીખ અંગે પણ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.

(10:10 PM IST)