<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

‘જંતર-મંતર ઉપર સીઝન-૨ ઝડપભેર શરૂ થશે’: કોકરોચ પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે ફરી વગાડ્યું આંદોલનનું બ્યૂગલ

શિક્ષણના મુદ્દે દેશવ્યાપી અભિયાનની તૈયારી; સ્વતંત્રતા દિવસથી સરકારી શાળાઓના સામાજિક ઓડિટનો કાર્યક્રમ

નવી દિલ્હી : કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ દિલ્હીમાં ફરી આંદોલનની તૈયારીના સ્પષ્ટ સંકેત આપતાં જાહેરાત કરી છે કે “જંતર-મંતર સીઝન-૨ બહુ જલ્દી શરૂ થવા જઈ રહ્યું છે.” તેમણે કહ્યું કે ઇન્સ્ટાગ્રામ પર ઘણા લોકો વારંવાર પૂછતા હતા કે જંતર-મંતરનું બીજું ચરણ ક્યારે શરૂ થશે, તેમને હવે તેનો જવાબ મળી ગયો છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ફરી ભારે ચર્ચા શરૂ થઈ છે.

 

કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસના જણાવ્યા પ્રમાણે ‘સીઝન-૨’નો અર્થ માત્ર જંતર-મંતર ખાતે ફરી ધરણાં કરવો એટલો જ સીમિત નથી. સંગઠન દેશવ્યાપી ‘લોકોનું સાંભળો’ પ્રકારની ઝુંબેશ આગળ વધારશે અને ૧૫ ઑગસ્ટથી શિક્ષણ કેન્દ્રિત અભિયાન શરૂ કરવાની યોજના છે.

 

નાગરિકોને સરકારી શાળાઓની મુલાકાત લઈ ત્યાંની સુવિધાઓ, શિક્ષણની ગુણવત્તા અને વાસ્તવિક સ્થિતિનું સામાજિક ઓડિટ કરવા પ્રોત્સાહિત કરવાની વાત પણ કરવામાં આવી છે.

 

આ પહેલાં દિલ્હીના જંતર-મંતર ખાતે પરીક્ષા અને શિક્ષણ સંબંધિત મુદ્દે લગભગ ૩૭ દિવસ સુધી ચાલેલા આંદોલન બાદ તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ આંદોલન સમેટાયું હતું.

 

દરમિયાન દીપકેએ દિલ્હીમાં કાર્યકરોની બેઠક માટે બુક કરાયેલ સ્થળ છેલ્લી ઘડીએ રદ થવા પાછળ રાજકીય દબાણ હોવાનો આરોપ મૂક્યો છે. આ દીપકે કરેલો આરોપ છે; તેની સ્વતંત્ર સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.

 

(10:13 PM IST)