<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

નેશનલ હાઇવે પર અકસ્માત થતાં જ 10 મિનિટમાં પહોંચશે એમ્બ્યુલન્સ: વિલંબ અને બેદરકારી બદલ ₹10,000 સુધીનો ભારે દંડ

NHAI એ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ હેઠળ એમ્બ્યુલન્સ ઓપરેટરો પર સિકંજો કસ્યો : જીપીએસ, કેર એપ અને મોક ડ્રીલના કડક નિયમો સાથે વિલંબિત સેવા તેમજ ટેકનિકલ ખામીઓ બદલ આકરા દંડની જોગવાઈ લાગુ કરી

નવી દિલ્હી:  રાષ્ટ્રીય ધોરીમાર્ગો  પર માર્ગ અકસ્માતના કિસ્સામાં ગોલ્ડન અવરમાં પીડિતોને ત્વરિત તબીબી સહાય પહોંચાડવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ અત્યંત કડક પગલાં લીધાં છે. નવી 'ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ  હેઠળ હવે અકસ્માત સ્થળથી 10 કિલોમીટરના વિસ્તારમાં માહિતી મળ્યાની ગણતરીની 10 મિનિટની અંદર એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચવી ફરજિયાત બનાવવામાં આવી છે. જો સેવા પહોંચાડવામાં 2 મિનિટ કરતાં વધુ વિલંબ થશે, તો પ્રતિ મિનિટ ₹5,000 નો દંડ થશે, જ્યારે માહિતી સ્વીકારવામાં વિલંબ કે અસ્વીકાર બદલ તેમજ દર્દીને સમયસર હોસ્પિટલ ન પહોંચાડવા પર ઘટનાદીઠ ₹10,000 નો સીધો દંડ ફટકારવામાં આવશે.

હાઇવે પર તૈનાત તમામ એમ્બ્યુલન્સ, ક્રેન અને રેસ્ક્યૂ વાહનોનું રીઅલ-ટાઇમ લોકેશન ટ્રેક કરવા માટે દરેક વાહનમાં AIS-140 GPS ડિવાઇસ અને IoT સિમ આધારિત સિસ્ટમ ફરજિયાત કરાઈ છે, જે 'NHAI કેર' મોબાઇલ એપ્લિકેશન અને કેન્દ્રીય 24x7 કંટ્રોલ રૂમ સાથે સીધી જોડાયેલી રહેશે. ઓપરેટરો કે ઘટના મેનેજરો દ્વારા એપ્લિકેશન અને ડેશબોર્ડનો યોગ્ય ઉપયોગ ન કરવા કે વાહનો ઓનલાઇન ન દર્શાવવા પર દરરોજ ₹2,500 નો દંડ થશે. આ ઉપરાંત, તપાસ દરમિયાન તબીબી સાધનો કે દવાઓની ખામી અથવા સ્ટાફની ગેરહાજરી જણાય તો પ્રતિ નિરીક્ષણ ₹10,000 નો દંડ વસૂલવામાં આવશે.

ઈમરજન્સી સેવાઓની સજ્જતા જાળવી રાખવા માટે NHAI એ દરેક એમ્બ્યુલન્સ માટે દર 24 કલાકમાં ઓછામાં ઓછા 5 કિલોમીટરની 'મોક ડ્રીલ' કરવી ફરજિયાત બનાવી છે; આ નિયમનું પાલન ન કરનાર સામે માસિક ₹10,000 સુધીનો દંડ લાગુ થશે. વધુમાં, જો પ્રોજેક્ટ સીમા બહાર પણ નજીકમાં અકસ્માત થાય અને અન્ય કોઈ સાધન ઉપલબ્ધ ન હોય, તો હાઇવે એમ્બ્યુલન્સે ફરજિયાત સેવા આપવી પડશે. NHAI ના આ કડક વલણથી હવે હાઇવે પર બેદરકારી દાખવતા ઓપરેટરો પર લગામ કસાશે અને અકસ્માત પીડિતોના પ્રાણ બચાવવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.

(10:29 PM IST)