હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતમાં ૧.૨૦ કરોડ વીજ ગ્રાહકોને ત્યાં તબક્કાવાર લગાવાશે સ્માર્ટ મીટર
કેન્દ્ર સરકારનો મોટો આદેશ

નવી દિલ્હી તા.૧૩: કેન્દ્રના ઊર્જા મંત્રાલયે આજે દરેક રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખીને સ્માર્ટ મીટરની કાર્યવાહી ઝડપી બનાવવા આદેશ આપ્યો છે. જેના પગલે રાજ્યના અંદાજે ૧.૭૯ કરોડ વીજ ગ્રાહકોમાંથી અંદાજે ૧.૨૦ કરોડ વીજ ગ્રાહકોને આગામી સમયમાં તબક્કાવાર સ્માર્ટ મીટર હેઠળ આવરી લેવામાં આવશે. હાલમાં રાજ્યમાં ૫૯ લાખ વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા દેશભરમાં વીજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને આધુનિક બનાવવાના ભાગરૂપે તમામ રાજ્યોને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ઝડપી બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય ઊર્જા મંત્રાલયે દરેક રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખીને આ આદેશ આપ્યો છે, જેના પગલે હવે ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારના નિયમ મુજબ સ્માર્ટ મીટર ફરજિયાતપણે લગાવાશે.
રાજ્યમાં હાલ અંદાજે ૧.૭૯ કરોડ વીજ ગ્રાહકો નોંધાયેલા છે, જેમાંથી પ્રથમ અને દ્વિતીય તબક્કામાં અંદાજે ૧.૨૦ કરોડ વીજ ગ્રાહકોને આગામી સમયમાં તબક્કાવાર સ્માર્ટ મીટર યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
કેન્દ્રીય ઊર્જા મંત્રાલયના અન્ડર સેક્રેટરી દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (ઇન્સ્ટોલેશન અને ઓપરેશન ઓફ મીટર્સ) (સુધારા) નિયમનો ૨૦૨૬ની જોગવાઈ મુજબ તમામ વીજ ગ્રાહકોને નિયત સમયમર્યાદામાં સ્માર્ટ મીટર હેઠળ આવરી લેવા જરૂરી છે. આ નિયમો હેઠળ સ્માર્ટ મીટર લગાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ગ્રાહકો માટે પ્રી-પેઇડ/પોસ્ટ-પેઇડ અને ‘ટાઇમ ઓફ ડે' રિબેટની સુવિધા
સ્માર્ટ મીટર લાગવાથી વીજ ગ્રાહકો પોતાની સુવિધા મુજબ પ્રી-પેઇડ અથવા પોસ્ટ-પેઇડ વિકલ્પ પસંદ કરીને બિલની ચૂકવણી કરી શકશે. આ ઉપરાંત ગ્રાહકોને ‘ટાઇમ ઓફ ડે' (Time of Day) હેઠળ વીજ વપરાશ પર રિબેટનો લાભ પણ મળશે. સામાન્ય રીતે સવારે ૧૧ થી સાંજના ૫ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન વીજ વપરાશ કરવા પર આ ખાસ રિબેટ મળવાપાત્ર રહે છે.
રીવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેનાથી વીજ ગ્રાહકો તેમજ વીજ વિતરણ કંપનીઓ (યુટિલિટીઝ) બંનેને મોટો ફાયદો થશે. વીજ કંપનીઓ વધુ ચોકસાઈથી એનર્જી એકાઉન્ટિંગ કરી શકશે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં અંદાજે ૫.૬૦ કરોડ વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ સુધીમાં કુલ ૫૯ લાખ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટરથી સજ્જ કરવામાં આવ્યા છે.
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ના ક્ષેત્રમાં હાલ ૧૪.૬૦ લાખ વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર કાર્યરત છે. એમજીવીસીએલ હેઠળ કુલ ૩૩ લાખ વીજ ગ્રાહકો નોંધાયેલા છે, જેમાંથી હવે બીજા ૧૮.૪૦ લાખ ગ્રાહકોને આગામી સમયમાં સ્માર્ટ મીટરથી આવરી લેવાશે. આમ, કંપનીના કુલ ગ્રાહકોમાંથી અંદાજે ૫૫ ટકા ગ્રાહકો પાસે સ્માર્ટ મીટર હશે.
આ ઉપરાંત, MGVCL માં મંજૂર થયેલા ૭૪ ટકા ટ્રાન્સફોર્મરમાં પણ સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે. ટ્રાન્સફોર્મર સ્માર્ટ મીટરિગના કારણે ગ્રીડમાંથી મળેલી વીજળી, ગ્રાહકો સુધી પહોંચેલી વીજળી અને તેના બિલિગ ડેટાની સચોટ ચકાસણી વીજ કંપનીઓ સરળતાથી કરી શકશે, જેનાથી વીજ ચોરી અને ટ્રાન્સમિશન લોસ પર અંકુશ મેળવી શકાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
