<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

નાંદેડમાં પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગ શીખ દ્વારા સનસનાટીભર્યો તલવાર હુમલો: સુરક્ષાકર્મી પણ ઘાયલ, બાદલ હોસ્પિટલમાં દાખલ

ગુરુદ્વારા બહાર દર્શન દરમિયાન પેટમાં પ્રાણઘાતક ઘા કરવાનો પ્રયાસ; સુરક્ષા જવાનોની સમયસર મધ્યસ્થીથી મોટી હોનારત ટળી, ડાબા હાથમાં ટાંકા આવ્યા

નાંદેડ: તા.13 મહારાષ્ટ્રના પવિત્ર નાંદેડ શહેરની બહાર આવેલા ગુરુદ્વારા માતા સાહિબ કૌર પરિસરમાં ગુરુવારે સવારે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને શિરોમણી અકાલી દળ (SAD) ના વરિષ્ઠ નેતા સુખબીર સિંહ બાદલ પર એક નિહંગ શીખે અચાનક કિરપાન (તલવાર) વડે હુમલો કરી દીધો હતો. આ ઘટના સમયે બાદલ તેમના પત્ની અને લોકસભા સાંસદ હરસિમરત કૌર બાદલ તથા પરિવાર સાથે તખ્ત શ્રી પટના સાહિબના દર્શન કર્યા બાદ અહીં ગુરુદ્વારામાં મસ્તક નમાવવા પહોંચ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓ અને સૂત્રોના જણાવ્યા મુજબ, હુમલાખોરે સીધો જ સુખબીર સિંહ બાદલના પેટના ભાગે તલવાર ભોંકવાનો ભયાનક પ્રયાસ કર્યો હતો. જોકે, તેમની સુરક્ષામાં તેનાત જાગરૂક સુરક્ષા કર્મચારીઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર વચ્ચે કૂદી પડીને બચાવ કર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન બાદલનો જીવ તો બચી ગયો પરંતુ તેમના ડાબા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. હુમલા બાદ બાદલ પોતાના હાથ પર ભગવું કપડું વીંટાળીને હોસ્પિટલ તરફ જતાં જોવા મળ્યા હતા, જ્યાં તેમને ઈજાગ્રસ્ત હાથ પર ટાંકા લેવા પડ્યા છે. દરમિયાન, બાદલને બચાવવા ગયેલો એક સુરક્ષા અધિકારી પણ ઘાયલ થયો હતો.

આ જીવલેણ હુમલાને પગલે ગુરુદ્વારા પરિસર અને સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર સુરક્ષા જવાનો અને સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હુમલાખોરની અટકાયત કરી લીધી છે. પોલીસ હાલ આ હુમલા પાછળનો મુખ્ય હેતુ શું હતો અને તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ તે દિશામાં ઘનન પૂછપરછ કરી રહી છે. બાદલની હાલત સદનસીબે ખતરાથી બહાર હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે નોંધનીય છે કે સુખબીર સિંહ બાદલ પર આ પ્રકારનો લક્ષિત હુમલો પ્રથમ વાર નથી થયો. આ અગાઉ ૪ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ અમૃતસરમાં વિશ્વપ્રસિદ્ધ સુવર્ણ મંદિરની બહાર પણ તેમના પર ગોળીબાર કરીને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. તે સમયે અકાલ તખ્ત દ્વારા ૨૦૦૭ થી ૨૦૧૭ વચ્ચેના શાસનકાળની ભૂલો માટે આપેલી 'તનખા' (ધાર્મિક સજા) હેઠળ બાદલ સુવર્ણ મંદિરમાં 'સેવાદાર' તરીકે દ્વાર પર ઊભા હતા, ત્યારે એક બંદૂકધારીએ તેમના પર નિશાન સાધ્યું હતું જેને સ્થળ પર જ ઝડપી લેવાયો હતો.

(3:17 PM IST)