હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આતંકવાદીઓની ધમકીથી ડરીને ફરજ પરથી ભાગી છૂટેલા પોલીસકર્મીને હાઈકોર્ટે લગાવી ફટકાર: 'જો ખાખી જ ડરી જશે તો પછી આ દેશને ફક્ત ભગવાન જ બચાવી શકે!'
આતંકવાદીઓના ડરથી ડ્યુટી પર ન આવવાનું બહાનું કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય; હાઈકોર્ટે ભૂતપૂર્વ સ્પેશિયલ પોલીસ ઓફિસરની નોકરીમાં પુનઃસ્થાપિત થવાની અરજી આકરા શબ્દો સાથે ફગાવી દીધી

શ્રીનગર: તા.13 જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ હાઈકોર્ટે દેશની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપ્યો છે. આતંકવાદી ધમકીઓના કારણે પોતાની સત્તાવાર ફરજ પર પાછા ફરવાનો ઇનકાર કરનારા એક ભૂતપૂર્વ સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) ને કોર્ટે સખત શબ્દોમાં ઝાટકી નાખ્યો છે. જસ્ટિસ સંજય ધરની સિંગલ બેન્ચે અરજી ફગાવતાં અત્યંત ગંભીર ટિપ્પણી કરી હતી કે, જો દેશની સુરક્ષા માટે જવાબદાર પોલીસ અધિકારી જ આતંકવાદીઓથી ડરીને સેવા આપવાની ના પાડી દે, તો પછી આ દેશનું રક્ષણ માત્ર ભગવાનના ભરોસે જ શક્ય છે.
આ સનસનાટીભર્યા કેસની વિગત મુજબ, અરજદારની વર્ષ ૨૦૧૨માં સ્પેશિયલ પોલીસ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ૨૦૧૫માં જ્યારે તેઓ તબીબી રજા પર હતા, ત્યારે સ્થાનિક વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને તણાવ વધતાં તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ધમકીઓથી ખોફઝદા થઈને તેઓ ફરજ પર પાછા ફર્યા જ નહીં. બાદમાં જ્યારે તેમણે ફરીથી નોકરીમાં જોડાવાનો પ્રયાસ કર્યો ત્યારે વહીવટીતંત્રે પરવાનગી નકારી કાઢી હતી. આ નિર્ણય સામે તેમણે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. ૨૦૨૫માં કોર્ટે DGPને અરજી પર વિચાર કરવા કહ્યું હતું, પરંતુ DGPએ અરજી ફગાવી દેતાં અરજદારે ફરી હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
અરજદારે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમને સેવામાંથી બરતરફ કરતા પહેલાં કોઈ ઔપચારિક આરોપ ઘડવામાં આવ્યા નહોતા, વિભાગીય તપાસ કરાઈ નહોતી કે પક્ષ રજૂ કરવાની તક પણ આપવામાં આવી નહોતી, જે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. જોકે, હાઈકોર્ટે આ તમામ દલીલોને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે SPO તરીકેની નિમણૂક કાયદાકીય કાયમી સિવિલ પદ નથી, તેથી તેમને ઔપચારિક તપાસ કે સુનાવણીનો કોઈ કાનૂની અધિકાર મળતો નથી.
ન્યાયાધીશ સંજય ધરે પોતાના આદેશમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આતંકવાદી ધમકીઓને કારણે ફરજ પર હાજર ન થવાની અરજદારની પોતાની જ કબૂલાત તેમને સેવામાંથી મુક્ત કરવા માટે પૂરતું અને મજબૂત કારણ છે. જ્યારે રાષ્ટ્રની સુરક્ષા અને નાગરિકોના રક્ષણ માટે જવાબદાર લોકો જ ધમકીઓ સામે ઝૂકી જાય કે પીઠ બતાવીને ભાગી જાય, ત્યારે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી અશક્ય બની જાય છે. આવી સ્થિતિમાં નોટિસ આપવી એ માત્ર ઔપચારિકતા જ ગણાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
