હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
JPSC ભરતી કૌભાંડની સ્ફોટક ઇનસાઇડ સ્ટોરી: વિદ્યાર્થીઓનો ૨૦ દિવસથી વિરોધ, CID સામે કૌભાંડના આઠ તબક્કાની કાળી રમતનો પર્દાફાશ!
પરીક્ષા એજન્સીના મેનેજરે ખોલ્યા રાજ; ₹૬૦ થી ₹૭૦ લાખમાં વેચાઈ અધિકારીઓની ખુલ્લી નોકરીઓ, ૩ સિનિયર અધિકારીઓની બોગસ પસંદગીનો ઘટસ્ફોટ

રાંચી: તા.13 ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) દ્વારા લેવાયેલી ભરતી પરીક્ષાઓમાં થયેલી ઘોર ગેરરીતિઓ અને કૌભાંડ સામે વિદ્યાર્થીઓ અને અબ્યાર્થીઓનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે. વિરોધ પ્રદર્શનનો ગુરુવારે ૨૦મો દિવસ હોવા છતાં વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આંદોલન સહેજ પણ પાછું ખેંચવામાં નહીં આવે. બીજી તરફ, આ સમગ્ર મામલે સીઆઈડી (CID) ની તપાસમાં એક પછી એક ધડાકા થઈ રહ્યા છે. આ કૌભાંડમાં સંડોવાયેલી મુખ્ય એજન્સી TDPL ના માર્કેટિંગ મેનેજર અભય તિવારીની ધરપકડ બાદ તેણે પૂછપરછમાં પૈસા ચૂકવવાથી લઈને સિલેક્શન સુધીની સમગ્ર ૮-તબક્કાની કાળી રમતનો પર્દાફાશ કરી દીધો છે.
સીઆઈડી દ્વારા અત્યાર સુધીમાં અભય તિવારી સહિત ૨૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તિવારીએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, આદિત્ય પાંડે અને લાલુ યાદવ જેવા વચેટિયાઓ અને એજન્ટો ઉમેદવારોને શોધીને TDPL ના ડાયરેક્ટર રામવીર સિંહ પાસે લાવતા હતા. ત્યારબાદ ઉમેદવારોને કમિશનના સભ્યો પાસે મોકલીને તેમની માર્ક્સ વધારવાની અને ઈન્ટરવ્યુ સેટ કરવાની પ્રક્રિયા શરૂ થતી હતી. આ કૌભાંડમાં JPSC ના ભૂતપૂર્વ ચેરમેન એલ. ક્યાંગટે તેમજ કમિશનના સભ્યો ડૉ. અજિતા ભટ્ટાચાર્ય, ડૉ. જમાલ અહેમદ અને ડૉ. અનિમા હસદાની સીધી સંડોવણી સામે આવી છે. ક્યાંગટેની ધરપકડ બાદ અન્ય સભ્યોએ રાજીનામા આપી દીધા હતા, જેમને હવે સીઆઈડીએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.
તપાસમાં સૌથી સ્ફોટક વિગત એ સામે આવી છે કે આ કૌભાંડના જોરે જ ૩ વર્તમાન અધિકારીઓએ પોતાની નોકરીઓ મેળવી હતી. જેમાં પોલીસ અધિક્ષક (SP) રોબિન કુમાર, DSP શૈલેષ સિંહ અને ડેપ્યુટી જેલર રાજેશ કુમાર રજકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પરીક્ષા નિયંત્રક શ્વેતા ગુપ્તા અને કોચિંગ ઓપરેટર રવિ કુમાર પણ આ કૌભાંડના તાણાવાણા સાથે જોડાયેલા હતા. કમિશન અને એજન્સીનું મિલીભગતથી ચાલતું આ રેકેટ ઉમેદવારો પાસેથી ઈન્ટરવ્યુમાં સેટિંગ કરવાના નામે પ્રતિ ઉમેદવાર ₹૧૫ લાખ વસૂલતું હતું. ત્યાર બાદ ૧૨મી અને ૧૩મી JPSC પરીક્ષાઓમાં અંતિમ પસંદગી સુધી પહોંચતા સુધીમાં એક-એક ઉમેદવાર પાસેથી ₹૬૦ થી ₹૭૦ લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લેવામાં આવતી હતી.
નાણાંના લેવડ-દેવડની સિસ્ટમ પણ અત્યંત ગુપ્ત રાખવામાં આવતી હતી. ઉમેદવારોનો સિક્રેટ કોડ ઈન્ટરવ્યુના એક દિવસ પહેલા જ ડીકોડ કરવામાં આવતો હતો અને તેમને ચોક્કસ બોર્ડ અથવા ચેરમેન પાસે જ મોકલવામાં આવતા હતા. તિવારીના જણાવ્યા અનુસાર, ઉઘરાવેલી કરોડો રૂપિયાની લાંચની રકમ અલગ-અલગ વચેટિયાઓ મારફતે મુખ્ય સભ્યો સુધી પહોંચાડવામાં આવતી હતી; જેમાં ભટ્ટાચાર્ય સુધી પીએમ બ્રિજરામ દ્વારા અને ચેરમેન ક્યાંગટે સુધી ધર્મેન્દ્ર નામના વ્યક્તિ દ્વારા રોકડા નાણાં પહોંચાડવામાં આવતા હતા. હાલ સીઆઈડી આ તમામ તથ્યો આધારે નેટવર્કને વિખેરી નાખવા ઊંડી તપાસ ચલાવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
