<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

યુરોપમાં સદીનો સૌથી ભયાનક દુષ્કાળ અને ગરમીનો પ્રકોપ: ડેન્યુબ નદી સુકાતાં બીજા વિશ્વયુદ્ધમાં ડૂબેલાં જર્મન યુદ્ધ જહાજો ૮૦ વર્ષે સપાટી પર આવ્યા!

પાણીનું સ્તર ઐતિહાસિક નીચી સપાટીએ જતાં ૨૦થી વધુ યુદ્ધ જહાજોના ભયાનક અવશેષો બહાર દેખાયા; અંદર ભરેલા જીવંત વિસ્ફોટકોથી ભયંકર ખતરો સર્જાયો

બર્લિન: તા.13 યુરોપ ખંડ હાલ સદીના સૌથી ભયાનક અને કાળઝાળ ગરમીના મોજા (હાર્શ હીટવેવ) તેમજ દુષ્કાળના આઘાતજનક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. ગરમીના કારણે પરિસ્થિતિ એટલી હદે વિકટ બની ગઈ છે કે યુરોપની બીજી સૌથી લાંબી અને મહત્વપૂર્ણ ગણાતી ડેન્યુબ નદીનું પાણીનું સ્તર તેના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયું છે. નદી સુકાઈ જતાં ૮૦ વર્ષ જૂનો ભયાનક ઈતિહાસ પૂરા સબૂત સાથે પાણીની બહાર તરી આવ્યો છે. વર્ષ ૧૯૪૪માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડૂબી ગયેલા નાઝી જર્મનીના ડઝનબંધ યુદ્ધ જહાજો ૮૦ વર્ષમાં પહેલીવાર સપાટી પર જોવા મળતાં લોકોમાં મોટું આશ્ચર્ય અને દહેશત વ્યાપી ગયા છે.

 

મળતી માહિતી મુજબ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સોવિયેત દળોના હુમલાથી બચવા માટે પાછળ હટી રહેલા જર્મન નૌકાદળે પોતાના જ સેંકડો જહાજોને આ નદીમાં ડૂબાડી દીધા હતા. અનુમાન છે કે ડેન્યુબ નદીના તળિયે આશરે ૨૦૦ જેટલા યુદ્ધ જહાજોનો મલબો દટાયેલો છે. હાલ નદીના જળસ્તરમાં થયેલા અભૂતપૂર્વ ઘટાડાને કારણે સર્બિયાના પ્રાહોવો શહેર નજીક ૨૦ થી વધુ યુદ્ધ જહાજોના વિષાળ કંકળ જેવા અવશેષો સ્પષ્ટપણે સપાટી પર તરી આવ્યા છે.

 

આ જહાજો બહાર આવવાના કારણે માત્ર આશ્ચર્ય જ નથી સર્જાયું, પરંતુ એક મોટો સુરક્ષા ખતરો પણ ઊભો થયો છે. આ યુદ્ધ જહાજોની અંદર આજે પણ ટનબંધ વજન ધરાવતા અસંખ્ય જીવંત વિસ્ફોટકો, ગોળા-બારૂદ અને દારૂગોળો અકબંધ પડ્યા છે. નદીના તળિયે ખુલ્લા પડેલા આ બોમ્બ અને વિસ્ફોટકો સ્થાનિક રહેવાસીઓ, માછીમારો અને નદીમાં ચાલતી બોટો માટે અત્યંત ભયજનક સાબિત થઈ રહ્યા છે, જેના કારણે વહીવટીતંત્રે આ વિસ્તારોમાં એલર્ટ જારી કરવું પડ્યું છે.

(3:52 PM IST)