<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ધોરણ-૬ થી ત્રીજી ભાષા ફરજિયાત કરવા સામે સંસદીય પેનલનો લાલદોળો: પૂરતી તૈયારી અને શિક્ષકો વગર અમલીકરણ થતાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ભારે તણાવમાં!

શિક્ષકોની ભરતી અને અભ્યાસ સામગ્રીમાં મોટી ક્ષતિઓ ટાંકીને લોકસભા કમિટીએ ફટકાર લગાવી; શાળાઓને પૂરતો સમય અને સુવિધાઓ આપવા મંત્રાલયને ભલામણ

નવી દિલ્હી: તા.13 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ હેઠળ ધોરણ-૬ થી ત્રીજી ભાષાના અમલીકરણને લઈને લોકસભાની સંસદીય પેનલે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. સંસદમાં રજૂ કરવામાં આવેલા અંદાજ સમિતિના દસમા અહેવાલમાં જણાવાયું છે કે શાળાઓને ત્રીજી ભાષા રજૂ કરવા માટે પૂરતો સમય અને જરૂરી સંસાધનો આપવામાં આવ્યા નથી. ભાષાકીય શિક્ષકોની ભરતી, યોગ્ય અભ્યાસ સામગ્રીની ઉપલબ્ધતા અને ભાષાની પસંદગી અંગેની સ્પષ્ટતાના અભાવે વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળા સંચાલકો તેમજ વાલીઓ પર ભારે માનસિક તણાવ ઊભો થયો છે.

 

રિપોર્ટ મુજબ, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પ્રારંભિક શાળા સ્તરે માતૃભાષા અને બહુભાષીવાદને પ્રોત્સાહન આપવા માટે 'R1, R2, R3' જેવું નવું ભાષાકીય માળખું ઘડ્યું છે અને તમામ ૨૨ અનુસૂચિત ભાષાઓમાં મુખ્ય વિષયોના પાઠ્યપુસ્તકોનો અનુવાદ કરવા સહિત 'જાદુઈ પિતારા' જેવી કિટ્સ પણ તૈયાર કરી છે. તેમ છતાં, વાસ્તવિક અમલીકરણ વખતે તળિયાના સ્તરે જરૂરી શિક્ષક તાલીમ અને ભાષા શિક્ષણ સ્ટાફની અગાઉથી ગણતરી કરવામાં મંત્રાલય નિષ્ફળ રહ્યું છે.

 

આ ગંભીર ઉણપોને ધ્યાનમાં રાખીને સંસદીય કમિટીએ ભલામણ કરી છે કે શિક્ષણ મંત્રાલયે પ્રાદેશિક ભાષાઓમાં પાઠ્યપુસ્તકો અને હેન્ડબુકનો વિકાસ વધુ ઝડપી બનાવવો જોઈએ. આ ઉપરાંત, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણ બોર્ડને શિક્ષકોની તાત્કાલિક ભરતી પ્રક્રિયામાં મદદ કરવાની સૂચના આપી છે, જેથી પાયાના તબક્કે જ બાળકોને માતૃભાષામાં યોગ્ય શિક્ષણ મળી રહે.

 

સમિતિએ કડક શબ્દોમાં એ પણ નિર્દેશ આપ્યો છે કે દરેક શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં તમામ ગ્રામીણ અને સરકારી શાળાઓ સુધી અનુવાદિત પુસ્તકો, બહુભાષી ઈ-સામગ્રી અને અભ્યાસ કિટ્સ સમયસર પહોંચી જાય તે માટે રાજ્યવાર મજબૂત વિતરણ વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય છે. પૂરતી તૈયારી વિના નીતિઓ લાદવાને બદલે શાળાઓને પૂરતો સમય આપવાની સ્પષ્ટ સલાહ પેનલે આપી છે.

 

(4:12 PM IST)