હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"પરમાણુ યુદ્ધ થશે તો પાકિસ્તાન જ પ્રથમ બોમ્બ ફોડશે!": વાયરલ ચીની પ્રોફેસરના ધડાકાથી વૈશ્વિક સ્તરે મોટો ખળભળાટ!
આર્થિક તંગી, ભ્રષ્ટાચાર અને રાજકીય અસ્થિરતા વચ્ચે પાકિસ્તાનની સેના પરમાણુ શસ્ત્રોનો કરી શકે છે ઉપયોગ; ભારતના સૈન્ય બળ સામે નબળું પાકિસ્તાન જોખમી સાબિત થઈ શકે

નવી દિલ્હી: તા.13 ચીનના વાયરલ પ્રોફેસર જિયાંગ ઝુકિનના એક ચોંકાવનારા અને ધમાકેદાર દાવાએ વૈશ્વિક રાજકારણ સહિત ભારતમાં પણ ભારે ચર્ચા જગાવી છે. ઈરાન અને અમેરિકી રાજકારણ અંગે ભૂતકાળમાં અત્યંત સચોટ આંકડાકીય અને સચોટ આગાહીઓ કરી ચૂકેલા પ્રોફેસર જિયાંગે દાવો કર્યો છે કે, જો ભવિષ્યમાં વિશ્વમાં ક્યારેય પણ પરમાણુ યુદ્ધ છાંડવામાં આવે તો પાકિસ્તાન એવો પ્રથમ દેશ બની શકે છે જે સૌથી પહેલા પરમાણુ બોમ્બનો ઉપયોગ કરશે. પાકિસ્તાન સંસ્થાકીય રીતે અત્યંત નબળો અને અસ્થિર દેશ હોવાથી તે પોતાના બચાવમાં આ ભયાનક હથિયારનો ઉપયોગ કરવાનું જોખમ ઉઠાવી શકે છે.
યુટ્યુબર રાજ સમાનીના પોડકાસ્ટમાં વાતચીત કરતી વખતે ચીની પ્રોફેસરે સ્પષ્ટતા કરી હતી કે આમ તો વૈશ્વિક સ્તરે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ પર ભારે પ્રતિબંધ હોવાથી આપણા જીવનકાળમાં આવું યુદ્ધ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. પરંતુ જો કદાચ કોઈ કટોકટી સર્જાય તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં પાકિસ્તાન તરફથી પરમાણુ બોમ્બ છોડવામાં આવે તેવી સૌથી વધુ શક્યતા છે. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાન લાંબા સમયથી રાજકીય વિભાજન, ભ્રષ્ટાચાર અને ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે કટોકટીના સમયે પોતાની જાતને બચાવવા માટે તેમની પાસે મજબૂત નિયંત્રણ પ્રણાલી નથી.
ભારતની સૈન્ય ક્ષમતાઓની પ્રશંસા કરતા પ્રોફેસર જિયાંગે જણાવ્યું હતું કે ભારત પાસે 'નો ફર્સ્ટ યુઝ' (પહેલા હુમલો ન કરવાની) મજબૂત નીતિ છે. આ ઉપરાંત, ભારત પાસે પરમાણુ શસ્ત્રો સિવાય પણ અત્યંત શક્તિશાળી અને આધુનિક પરંપરાગત સૈન્ય બળ છે, જે તેને પાકિસ્તાન કરતાં અનેકગણું વધુ મજબૂત બનાવે છે. તેની સરખામણીમાં નબળું પાકિસ્તાન ભારતના વિશાળ સૈન્ય બળ સામે ટકી શકવા અસમર્થ હોવાથી તેની સેના પરમાણુ શસ્ત્રોને જ પોતાનું મુખ્ય હથિયાર માને છે, જે યુદ્ધના સમયમાં ભારે વિનાશક સાબિત થઈ શકે છે.
જોકે, પ્રોફેસરે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે જો કોઈ પણ દેશ પહેલો પરમાણુ હુમલો કરવાનો નિર્ણય લેશે તો તેને અત્યંત ભયાનક આંતરરાષ્ટ્રીય દબાણ, આકરા પ્રતિબંધો અને વળતા પ્રહારનો સામનો કરવો પડશે, જેના કારણે આવો આત્મઘાતી નિર્ણય લેવો કોઈપણ દેશ માટે અત્યંત મુશ્કેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
