હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈનું પ્રખ્યાત ૮૧ વર્ષ જૂનું 'શ્રી ઠાકર ભોજનાલય' બંધ થતાં ઉઠ્યા અનેક સવાલો: FDA ની લાલ આંખ વચ્ચે અફવાઓનું બજાર ગરમ, માલિકે સ્પષ્ટતા કરીને સત્ય જાહેર કર્યું!
મુંબઈના કાલબાદેવીમાં આવેલી સેલિબ્રિટીઝની ફેવરિટ ગુજરાતી થાળી રેસ્ટોરન્ટના દરવાજા અચાનક બંધ થતાં ભારે ચર્ચા; હોટેલ સંચાલકોએ કહ્યું, "FDA નો સપાટો નથી, કિચનના અપગ્રેડેશન અને સમારકામ માટે જ વિરામ લીધો છે"

મુંબઈ: તા.13 માયાનગરી મુંબઈમાં આવેલા ૮૧ વર્ષ જૂના પ્રતિષ્ઠિત અને અસંખ્ય સેલિબ્રિટીઝના મનપસંદ 'શ્રી ઠાકર ભોજનાલય'ના દરવાજા અચાનક બંધ થઈ જતાં ભોજનપ્રેમીઓમાં ભારે સનસનાટી મચી ગઈ છે. તાજેતરમાં મહારાષ્ટ્ર FDA ના કમિશનર આઈએએસ (IAS) અધિકારી તુકારામ મુંધે દ્વારા અસ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ઉલ્લંઘન બદલ મુંબઈની અનેક મોભાદાર હોટેલો અને રેસ્ટોરન્ટ્સ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે, ત્યારે ઠાકર ભોજનાલય બંધ થતાં જ એવી અફવાઓ ફેલાઈ હતી કે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા તેને પણ સીલ કરી દેવામાં આવ્યું છે.
જોકે, બજારમાં વહેતી થયેલી આ અફવાઓનો તાત્કાલિક અંત લાવતા શ્રી ઠાકર ભોજનાલયે પોતાના અધિકૃત ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી સત્તાવાર ખુલાસો જારી કર્યો છે. રેસ્ટોરન્ટ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, "અમે એવા અહેવાલો જોયા છે જેમાં દાવો કરાઈ રહ્યો છે કે સ્વચ્છતા કે નિયમોના ભંગ બદલ ભોજનાલય બંધ કરાયું છે, જે સંપૂર્ણપણે અસત્ય છે. અમારું કામચલાઉ બંધ રહેવું એ અગાઉથી આયોજિત રસોડાના અપગ્રેડેશન, સમારકામ અને પેઇન્ટ ટચ-અપ્સ માટે છે. કિચનનું મોટું કામ ચાલી રહ્યું હોવાથી આ દરમિયાન ગ્રાહકોને ભોજન પીરસવું શક્ય નથી."
રેસ્ટોરન્ટે દાયકાઓથી તેમને પ્રેમ આપનારા ગ્રાહકોનો આભાર માનતાં વચન આપ્યું હતું કે, તેઓ ખૂબ જ જલ્દી એ જ પરંપરાગત અસલી સ્વાદ, ઉત્તમ ગુણવત્તા અને એ જ ઠાકરની ભવ્ય પરંપરા સાથે ફરીથી સેવામાં હાજર થશે. ઉલ્લેખનીય છે કે, કાલબાદેવીના ફણસવાડી વિસ્તારમાં વર્ષ ૧૯૪૫ માં મંગનલાલ પુરોહિત દ્વારા સ્થાપિત આ ભોજનાલય પોતાની પૌષ્ટિક અને અદભુત ગુજરાતી તેમજ રાજસ્થાની થાળી માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તાજેતરમાં કે. રુસ્તમ આઈસ્ક્રીમ, નૂર મોહમ્મદી અને શાલીમાર જેવી હોટેલોના લાયસન્સ સસ્પેન્ડ થવાના કારણે જ ઠાકર ભોજનાલય માટે આવી અફવાઓએ જોર પકડ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
