હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈમાં પુનર્વિકાસના નામે કરોડોનું મહાકૌભાંડ: સાઈ ગ્રુપના પ્રમોટરો સામે ED નું મોટું એક્શન; ₹૪૩.૭૩ કરોડની હેરાફેરી બદલ ચાર્જશીટ દાખલ!
અંધેરી, કાંદિવલી અને ગોરેગાંવમાં ફ્લેટ-દુકાનોના નામે રોકાણકારો સાથે ઠગાઈ; યુકે (UK) સ્થિત મિલકતો અને બંગલા-જમીન સહિત ₹૩૩.૮૯ કરોડથી વધુની સંપત્તિ જપ્ત

મુંબઈ : માયાનગરી મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રી-ડેવલપમેન્ટ (પુનર્વિકાસ) ના નામે ઘર ખરીદનારાઓ અને રોકાણકારો સાથે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડીના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ લાલ આંખ કરી છે. સાઈ ગ્રુપના પ્રમોટરો જયેશ તન્ના, દીપ તન્ના અને વિવેક જયેશ તન્ના તેમજ તેમની સાથે જોડાયેલી સાત કંપનીઓ સામે ED એ મની લોન્ડરિંગ નિવારણ કાયદા (PMLA) ની ખાસ અદાલતમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે. આરોપીઓ પર પુનર્વિકાસ પ્રોજેક્ટ્સના નામે એકત્ર કરાયેલા ₹૪૩.૭૩ કરોડ રૂપિયા પોતાના અંગત સ્વાર્થ માટે ડાયવર્ટ કરવાનો ગંભીર આરોપ છે.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ મુંબઈ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી વિવિધ FIRs બાદ થયો હતો, જેના આધારે ED એ વર્ષ ૨૦૨૪ માં મની લોન્ડરિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ED ની તપાસમાં બહાર આવ્યું છે કે સાઈ ગ્રુપે અંધેરીના ડી.એન. નગર, કાંદિવલી અને ગોરેગાંવ વિસ્તારોમાં પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરવાના બહાને સામાન્ય નાગરિકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. જોકે, આ ભંડોળ બાંધકામમાં વાપરવાને બદલે પ્રમોટરોએ પોતાના અંગત લાભ માટે વાપરી નાખ્યું હતું, જેના કારણે પ્રોજેક્ટ્સ અધૂરા રહ્યા અને અસંખ્ય લોકો પોતાના સ્વપ્નના ઘરથી વંચિત રહી ગયા.
ED ની ટીમ દ્વારા માર્ચ ૨૦૨૫ માં સાઈ ગ્રુપના ૯ પરિસરો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી કૌભાંડ સંબંધિત અનેક નાણાકીય દસ્તાવેજો મળી આવ્યા હતા. એજન્સીએ અત્યાર સુધીમાં પ્રમોટરોના પરિવાર અને કંપનીઓની મુંબઈ અને અહમદનગરમાં આવેલી ખેતીની જમીન, રહેણાંક ફ્લેટ, વાણિજ્યિક દુકાનો અને બંગલા સહિત ₹૩૩.૮૯ કરોડની સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરી લીધી છે.
આ કેસની તપાસ દરમિયાન એક ચોંકાવનારું વિદેશી કનેક્શન પણ સામે આવ્યું હતું. કૌભાંડીઓએ છેતરપિંડીના પૈસાથી યુનાઇટેડ કિંગડમ (UK) માં વર્ષ ૨૦૧૭ માં આશરે £૨.૦૭ લાખ (રૂ. ૨.૨ કરોડથી વધુ) ની કિંમતની મિલકત ખરીદી હતી, જેને પણ ED એ જુલાઈ ૨૦૨૫ માં જપ્ત કરી લીધી છે. એક કિસ્સામાં તો ખરીદદારે ફ્લેટ માટે ₹૩.૩૩ કરોડ ચૂકવ્યા હોવા છતાં તે જ ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી દેવાયો હતો. હાલ કોર્ટે તમામ આરોપીઓને નોટિસ જારી કરી આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
