<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

‘આ જાપાન નથી, આપણું કેરળ છે!’: પંજાબના પ્રવાસીએ કાસરગોડ રેલ્વે સ્ટેશનની ચકાચક સ્વચ્છતા જોઈને ઉચ્ચાર્યા આશ્ચર્યના ઉદ્ગાર; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ!

પ્લેટફોર્મ અને રેલ્વે ટ્રેકની સફાઈથી લઈને મસાજ પાર્લર અને પ્રીમિયમ વેટિંગ એરિયાની સુવિધાઓ જોઈને ટ્રાવેલર મંત્રમુગ્ધ; કહ્યું, "ભારતમાં આટલું સુંદર અને સ્વચ્છ સ્ટેશન પહેલીવાર જોયું"

તિરુવનંતપુરમ : ભારતીય રેલ્વે સ્ટેશનો પરની ગંદકી અને અસ્વચ્છતા અંગે સામાન્ય રીતે લોકોની ફરિયાદ રહેતી હોય છે, પરંતુ દક્ષિણ ભારતમાં આવેલા કેરળના કાસરગોડ રેલ્વે સ્ટેશને એક પંજાબી પ્રવાસીને એટલા આશ્ચર્યચકિત કરી દીધા કે તેણે તેની સરખામણી સીધી વિકસિત દેશ જાપાન સાથે કરી દીધી છે! પંજાબના એક પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર અને પ્રવાસીએ પોતાની કેરળ યાત્રા દરમિયાન કાસરગોડ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી, જ્યાંની અભૂતપૂર્વ સ્વચ્છતા અને સુવિધાઓ જોઈને તે આફરીન થઈ ગયો હતો.

 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પોતાના વીડિયોમાં આ પ્રવાસી સ્ટેશનના ખૂણે-ખૂણે ફરીને પરિસરની સફાઈનું દસ્તાવેજીકરણ કરતો જોવા મળે છે. સ્ટેશનના ચકાચક પ્લેટફોર્મ્સ અને કચરામુક્ત રેલ્વે ટ્રેક બતાવતા તેણે વિડિયોમાં ઉદ્ગાર કાઢ્યા હતા કે, "મિત્રો, આ જાપાન નથી... આ આપણું કેરળ છે! હું નાનપણથી સાંભળતો આવ્યો હતો કે કેરળ તેના શિક્ષિત અને પ્રગતિશીલ લોકો માટે જાણીતું છે, પરંતુ આજે પોતાની આંખોથી જોઈને મને તેની ખાતરી થઈ ગઈ છે. સાચું કહું તો, મેં મારા જીવનમાં ભારતમાં આટલું સ્વચ્છ અને સુંદર રેલ્વે સ્ટેશન ક્યારેય નથી જોયું."

 

કેરળ પ્રવાસના પહેલા જ દિવસે મળેલા આ અદ્ભુત અનુભવે પ્રવાસી પર ઊંડી છાપ છોડી છે. સ્ટેશન પર મુસાફરો માટે આરામદાયક અને સ્વચ્છ વેટિંગ એરિયા ઉપરાંત થાક ઉતારવા માટે ઉપલબ્ધ 'મસાજ સર્વિસ પાર્લર' જોઈને તે ખૂબ જ આશ્ચર્યચકિત થયો હતો.

 

હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે ધૂમ મચાવી રહ્યો છે અને લાખો લોકો તેને જોઈ રહ્યા છે. નેટીઝન્સ પણ ભારતીય રેલ્વેના કાસરગોડ સ્ટેશનના વહીવટકર્તાઓ અને સ્થાનિક જાગરૂક નાગરિકોની સફાઈ પ્રત્યેની આ નિષ્ઠાના મુક્ત મને વખાણ કરી રહ્યા છે. કેરળ પ્રવાસના પ્રારંભે જ મળેલો આ અનુભવ સોશિયલ મીડિયા પર ભારતીય રેલ્વે માટે એક નવી મિસાલ બની ગયો છે.

 

(6:37 PM IST)