<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

‘આ રાત મારી જિંદગીની સૌથી શ્રેષ્ઠ રાત હતી’: ટેલર સ્વિફ્ટ સાથેના ગ્રાન્ડ મેરેજ પર ટ્રેવિસ કેલ્સે તોડી ચુપકીદી; મેડિસન સ્ક્વેર ગાર્ડનના રોયલ વેડિંગની અંદરની વાત કરી જાહેર!

૩ જુલાઈએ ન્યૂ યોર્કમાં યોજાયેલા ગુપ્ત અને સ્ટાર-સ્ટડેડ લગ્ન બાદ NFL સુપરસ્ટારે આપ્યું દિલચસ્પ નિવેદન; ૧,૦૦૦ જેટલા દિગ્ગજ મહેમાનો વચ્ચે પૂરું કર્યું બાળપણનું સ્વપ્ન

ન્યૂ યોર્ક : વિશ્વની સૌથી લોકપ્રિય પોપ સુપરસ્ટાર ટેલર સ્વિફ્ટ અને અમેરિકન ફૂટબોલ (NFL) સ્ટાર ટ્રેવિસ કેલ્સેના શાહી લગ્ન સોશિયલ મીડિયા પર અનેક દિન સુધી ચર્ચાનો વિષય રહ્યા હતા. હવે આ હાઇ-પ્રોફાઇલ લગ્ન બાદ કેન્સાસ સિટી ચીફ્સના ખેલાડી ટ્રેવિસ કેલ્સે પ્રથમ વખત આ અંગે મૌન તોડ્યું છે. સપ્ટેમ્બરથી શરૂ થનારી એનએફએલ (NFL) સિઝન માટે મિઝોરી ખાતે યોજાયેલા ટ્રેનિંગ કેમ્પ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ૩૬ વર્ષીય કેલ્સે આ લગ્નને પોતાના "જીવનની સૌથી શ્રેષ્ઠ અને યાદગાર રાત" ગણાવી હતી.

 

ન્યૂ યોર્કના ઐતિહાસિક અને આઇકોનિક મેડિસન સ્ક્વેર ગાર્ડન (MSG) માં યોજાયેલા આ લગ્ન સમારોહ અંગે વાત કરતા ત્રણ વખતના સુપર બાઉલ વિજેતા કેલ્સે ભાવુક થઈને કહ્યું હતું કે, "તે ખરેખર એક અદ્ભુત ઑફ-સીઝન હતી. લગ્ન મારી જિંદગીની સર્વશ્રેષ્ઠ રાત હતી. સ્પોર્ટ્સ વર્લ્ડના આટલા મોટા મક્કા સમાન સ્થળે લગ્ન કરીને પોતાના બાળપણનું સ્વપ્ન પૂરું કરવું એ મારા માટે અકલ્પનીય ક્ષણ હતી. અમે તેને ખૂબ જ ખાનગી રાખવા માંગતા હતા અને સ્થળના માલિકોએ જે રીતે તમામ વ્યવસ્થાઓ કરી તે ખરેખર પરફેક્ટ હતી."

 

૩ જુલાઈના રોજ યોજાયેલા આ ભવ્ય સમારોહમાં વિનોદ વિલક્ષણ ક્ષણો અને સેલિબ્રિટીઝની ભારે હાજરી જોવા મળી હતી. હોલિવૂડ અને રમતગમત જગતના લગભગ ૧,૦૦૦ જેટલા અગ્રણી મહેમાનોએ હાજરી આપી હતી, જેમાં હોલિવૂડ સુપરસ્ટાર ટૉમ ક્રૂઝ, બ્રેડ પિટ, જેનિફર લોપેઝ, ફૂટબોલ લેજન્ડ ટૉમ બ્રેડી સહિતના દિગ્ગજો શામેલ હતા. આ સમગ્ર લગ્ન સમારોહનું સંચાલન પ્રખ્યાત કોમેડિયન અને કલાકાર એડમ સેન્ડલરે કર્યું હતું. લગ્ન સ્થળને એક આલીશાન અને નયનરમ્ય બગીચાના સ્વરૂપમાં ફેરવી દેવામાં આવ્યું હતું.

 

આ રોયલ કપલના આઉટફિટ્સ જોનાથન એન્ડરસન (ક્રિશ્ચિયન ડાયોર) દ્વારા સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવ્યા હતા. આ હાઇ-પ્રોફાઇલ અને સિક્રેટ ઇવેન્ટ માટે સુરક્ષાના ભારે બંદોબસ્ત વચ્ચે ન્યૂ યોર્કની આસપાસના રસ્તાઓ બંધ કરી દેવાયા હતા, જેના વ્યવસ્થાપન માટે નવદંપતીએ ન્યૂ યોર્ક સિટીને $૧૬૦,૦૦૦ (આશરે ૧.૩ કરોડ રૂપિયા) ની ચૂકવણી પણ કરી હતી. ઓગસ્ટ ૨૦૨૫ માં સગાઈ કર્યા બાદ આ આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી કપલે પોતાના લગ્નને સત્તાવાર આખરી ઓપ આપીને પોતાના ચાહકોને અદ્ભુત ભેટ આપી છે.

 

(6:48 PM IST)