News of Thursday, 13th August 2026
કોલકાતાની એનઆરએસ હોસ્પિટલના બંધ શૌચાલયમાંથી નર્સની શંકાસ્પદ હાલતમાં લાશ મળી: એનેસ્થેસિયાની ખાલી શીશીઓ અને સિરીંજ મળતા મચ્યો સળવળાટ!
માર્ચ મહિનામાં જ પરણેલી ૩૦ વર્ષીય નર્સ ડ્યુટી દરમિયાન ગુમ થઈ ગયા બાદ કરુણ અંત; બનાવટ કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

કોલકાતા : કોલકાતાની ૧૫૦ વર્ષ જૂની પ્રખ્યાત સરકારી એનઆરએસ (NRS) હોસ્પિટલમાં બુધવારે રાત્રે એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. હોસ્પિટલના પ્રસૂતિ વોર્ડના પહેલા માળે આવેલા બંધ શૌચાલયમાંથી ૩૦ વર્ષીય નર્સ મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી એનેસ્થેસિયા (બેભાન કરવાના) ઇન્જેક્શનની ખાલી શીશીઓ અને એક સિરીંજ મળી આવતાં આ રહસ્યમય મૃત્યુ પાછળ ગંભીર શંકાઓ સેવાઈ રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક નર્સ બુધવારે રાત્રે પોતાની ડ્યુટી પર તૈનાત હતી. રાત્રે આશરે ૯.૪૦ વાગ્યાના સુમારે તે અચાનક પોતાની જગ્યા પરથી ગાયબ થઈ ગઈ હતી. લાંબા સમય સુધી નર્સ ન દેખાતાં હોસ્પિટલના અન્ય સ્ટાફ મિત્રોએ તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન માતૃત્વ વિભાગના શૌચાલયનો દરવાજો અંદરથી અસામાન્ય રીતે લાંબા સમય સુધી બંધ માલૂમ પડ્યો હતો. સ્ટાફ દ્વારા વારંવાર બૂમો પાડવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં, આખરે દરવાજો તોડી પાડવામાં આવ્યો હતો, જ્યાં નર્સ નીચે પડેલી મળી આવી હતી. તાત્કાલિક ડોક્ટરોની ટીમે તેની તપાસ કરીને તેને મૃત જાહેર કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પશ્ચિમ બંગાળના આરોગ્ય પ્રધાન શરદવત મુખર્જી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસરને સીલ કરીને તપાસ હાથ ધરી હતી. પોલીસને શૌચાલયમાંથી એનેસ્થેટિક ઇન્જેક્શનની ખાલી શીશીઓ અને સિરીંજ મળી આવી છે, પરંતુ આ સાધનો જ તેના સાચા મૃત્યુનું કારણ છે કે નહીં તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી.
મૃતક નર્સના લગ્ન ચાલુ વર્ષના માર્ચ મહિનામાં જ થયા હતા અને તે તેના પતિ સાથે કોલકાતા નજીક ભાડાના ફ્લેટમાં રહતી હતી. પોલીસે હાલમાં નર્સનો મોબાઈલ ફોન જપ્ત કરી કોલ ડિટેલ્સ રેકોર્ડ્સ (CDR) ની તપાસ શરૂ કરી છે તથા દિલ્હીમાં રહેતા તેના સાસરિયાં અને પૂર્વ મિદનાપુરમાં રહેતા પિયર પક્ષને ઘટનાની જાણ કરી છે. ફરજ દરમિયાન ગુમ થયા બાદ શૌચાલયની અંદર બનેલી આ ઘટનાએ હોસ્પિટલ સ્ટાફની સુરક્ષા સામે પણ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
