<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ગુરુદ્વારામાં સુખબીર સિંહ બાદલ પર હુમલો : વડાપ્રધાન મોદીએ ફોન કરીને મેળવ્યા ખબરઅંતર : આરોપી કસ્ટડીમાં

મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત ગુરુદ્વારામાં શિરોમણી અકાલી દળના પ્રમુખ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થતાં રાજકારણ ગરમાયું, સુરક્ષા કર્મચારીને પણ ઈજા : સીએમ ફડણવીસે તપાસના આદેશ આપ્યા.

નાંદેડ :  મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત ગુરુદ્વારા પરિસરમાં શિરોમણી અકાલી દળ (SAD) ના પ્રમુખ અને પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર તીક્ષ્ણ હથિયાર વડે અચાનક હુમલો કરવામાં આવતાં દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના સમયે તેઓ પરિવાર સાથે દર્શનાર્થે ગયા હતા. હુમલા દરમિયાન તેમના જમણા હાથ પર ઈજા પહોંચી હતી, જ્યારે વચ્ચે પડેલા એક સુરક્ષા અધિકારીને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘટના બાદ તુરંત જ તેમને નજીકની યશોસાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સુધારા પર અને સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ બનતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુખબીર બાદલના પત્ની હરસિમરત કૌર બાદલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી.

હુમલો કરનાર આરોપી નિહંગ સિંહની ઘટનાસ્થળેથી જ તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તેની કડક પૂછપરછ ચાલી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવીને નાંદેડ પોલીસ અધિક્ષક પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે અને તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ડિસેમ્બર ૨૦૨૪ માં પણ અમૃતસરના સુવર્ણ મંદિર બહાર સુખબીર સિંહ બાદલ પર ગોળીબાર કરીને જાનલેવા હુમલો કરવાનો પ્રયાસ થયો હતો, જેમાંથી તેઓ આબાદ બચી ગયા હતા. વારંવાર થતા આ પ્રકારના હુમલાઓને પગલે તેમની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

સુખબીર સિંહ બાદલ પંજાબના રાજકારણનો એક બહુ મોટો અને પ્રભાવશાળી ચહેરો છે. તેઓ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. પ્રકાસસિંહ બાદલના પુત્ર છે અને લાંબા સમયથી શિરોમણી અકાલી દળનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ પંજાબના નાયબ મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે અને રાજ્યના સંગઠનાત્મક રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના પત્ની હરસિમરત કૌર બાદલ ભટિંડાથી લોકસભા સાંસદ છે અને ભારત સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. સમગ્ર ઘટના બાદ અકાલી દળના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ હુમલા પાછળ કોઈ ઊંડું રાજકીય કે પંથક વિરોધી ષડયંત્ર છે કે કેમ તેની તપાસની માંગ કરવામાં આવી રહી છે.

(7:57 PM IST)