<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

CJI ને કન્વોકેશનમાં આમંત્રણ આપવાના વિવાદમાં BCI નો મોટો નિર્ણય: NALSAR ના ૨૦૨૬ બેચના કોઈપણ ગ્રેજ્યુએટ વકીલ તરીકે નોંધણી કરાવી શકશે નહીં!

ભારતના ચીફ જસ્ટિસ સુર્યકાંતના વિરોધમાં કેમ્પેન ચલાવનારા વિદ્યાર્થીઓ સામે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આકરી કાર્યવાહી; વાઈસ-ચાન્સલર પાસે ૩ દિવસમાં મંગાયો વિસ્તૃત રિપોર્ટ

નવી દિલ્હી:  હૈદરાબાદની પ્રતિષ્ઠિત નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (NALSAR) લો યુનિવર્સિટીના કન્વોકેશન સમારોહમાં મુખ્યાતિથિ તરીકે ભારતના ચીફ જસ્ટિસ (CJI) સુર્યા કાંતને આમંત્રિત કરવા સામે વિદ્યાર્થીઓએ શરૂ કરેલા વિરોધ ઝુંબેશ બાદ મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલાને અત્યંત ગંભીરતાથી લેતા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ દેશના તમામ સ્ટેટ બાર કાઉન્સિલને આદેશ આપ્યો છે કે NALSAR ની ૨૦૨૬ ની બેચના કોઈપણ ગ્રેજ્યુએટ લો સ્ટુડન્ટની વકીલ તરીકે સનદ કે નોંધણી આગામી આદેશ સુધી અટકાવી દેવામાં આવે.

 

BCI ના અધ્યક્ષ મનન કુમાર મિશ્રા દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે દેશની સર્વોચ્ચ અદાલત અને બંધારણીય પદો પ્રત્યે અનાદર દર્શાવનારા વિદ્યાર્થીઓ કાનૂની વ્યવસાય માટે યોગ્ય ગણી શકાય નહીં. BCI એ NALSAR ના વાઈસ-ચાન્સલર પાસે ૩ દિવસની અંદર આ વિરોધ પ્રદર્શન, સોશિયલ મીડિયા કેમ્પેન અને બેકગ્રાઉન્ડ સપોર્ટમાં સામેલ વિદ્યાર્થીઓ, પ્રોફેસરો તથા સંગઠનો અંગેની વિગતવાર ફેક્ટ્યુઅલ રિપોર્ટ માંગી છે.

 

ઉલ્લેખનીય છે કે, NALSAR ના ૪૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ વાઈસ-ચાન્સલરને ઈમેઈલ મોકલીને CJI સુર્યા કાંતને કન્વોકેશનમાં ન બોલાવવાની અપીલ કરી હતી. દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી કથિત પોલીસ કાર્યવાહી અંગેની અરજી પર ત્વરિત સુનાવણી ન આપવા અને સુનાવણી દરમિયાન કરાયેલી કેટલીક ટિપ્પણીઓને કારણે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા. આ અંગે BCI ૧૯ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ આખરી નિર્ણય લેશે.

(8:22 PM IST)