હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨૦૨૭ ની યુપી વિધાનસભા ચૂંટણીઓ પહેલા દલિત વોટબેંક કબ્જે કરવા મોટી હોડ: માયાવતીનો જનાધાર ઘટતાં ભાજપ, સપા અને કોંગ્રેસ વચ્ચે ખટપટ!
બીએસપીના સતત પતનથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં નવો વળાંક; અખિલેશ યાદવે ૧૪ નવી દલિત બેઠકો જાહેર કરી તો ભાજપે સંત રવિદાસ અભિયાનથી મોરચો સંભાળ્યો

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના રાજકારણમાં દલિત વોટબેંક હંમેશાં નિર્ણાયક ભૂમિકા ભજવતી આવી છે. એક સમયે બહુજન સમાજ પાર્ટી (BSP) ના સુપ્રીમો માયાવતી દલિત મતદારોનો એકહથ્થુ ચહેરો માનવામાં આવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક ચૂંટણી પરિણામો દર્શાવે છે કે માયાવતીનો પ્રભાવ હવે ઝડપથી ઘટી રહ્યો છે. ૨૦૦૭માં ૨૦૬ બેઠકો મેળવનાર બીએસપી ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર ૧ બેઠક અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં શૂન્ય બેઠક પર સિમટાઈ ગઈ હતી. આ જનાધારમાં થયેલા ઘટાડાને કારણે મુક્ત થયેલી ૨૧ ટકા દલિત વોટબેંકને પોતાના પક્ષમાં કરવા માટે ભાજપ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભીષણ હરીફાઈ શરૂ થઈ ગઈ છે.
ચૂંટણી પહેલાં તમામ પક્ષોએ દલિતોને રિઝવવા માટે પોતપોતાની વ્યૂહરચના ગોઠવી દીધી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભદોહી જિલ્લાનું નામ બદલીને 'સંત રવિદાસ નગર' કરવાની જાહેરાત કરીને દલિત પ્રતીકો પર પોતાનો દાવો મજબૂત કર્યો છે. આ ઉપરાંત ભાજપે દરેક વિધાનસભા ક્ષેત્રમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓના વિકાસ માટે ₹૧ કરોડની યોજના અને કેબિનેટ વિસ્તારમાં પાસી તથા વાલ્મીકિ સમુદાયના મંત્રીઓને સ્થાન આપીને બિન-જાતવ દલિતોને પોતાની સાથે રાખવાની કોશિશ કરી છે.
બીજી તરફ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પોતાના પીડીએ (પછાત, દલિત, અલ્પસંખ્યક) ફોર્મ્યુલાને વધુ મજબૂત કરવા માટે ૨૦૨૭ની ચૂંટણીમાં સામાન્ય બેઠકો પરથી વધુ ૧૪ દલિત ઉમેદવારોને ઉતારવાની જાહેરાત કરી છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં અયોધ્યા (ફૈઝાબાદ) બેઠક પરથી દલિત નેતા અવધેશ પ્રસાદની જીત બાદ સપાનો ઉત્સાહ વધ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ બંધારણ અને સામાજિક ન્યાયના મુદ્દાને આગળ ધરીને કોંગ્રેસની જૂની દલિત વોટબેંક પાછી મેળવવા માટે પ્રયાસો તેજ કર્યા છે.
જોકે, આ રાજકીય ખેંચતાણ વચ્ચે ચંદ્રશેખર આઝાદ જેવા નવા દલિત ચહેરા પણ પોતાની સ્વતંત્ર ઓળખ બનાવી રહ્યા છે. બીએસપી સુપ્રીમો માયાવતીએ કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે અને પોતાના કેડરને પછાત વર્ગો સાથે ફરીથી જોડાણ કરવા સૂચના આપી છે. પરંતુ ૨૦૨૭ની ચૂંટણીમાં આ વિશાળ દલિત મતદારો કયા પક્ષ તરફ ઢળશે, તે જ લખનૌની ગાદીનો આખરી નિર્ણય કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
