હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિમાચલ પ્રદેશના શિમલામાં ભૂસ્ખલનનો કાળો કેર: ધાલી મંડી પાસે ટેકરી પરથી ભયાનક પથ્થરો પડતાં મચી ભાગદોડ, અનેક વાહનો કચડાયા!
ચોમાસાના ભારે વરસાદ વચ્ચે પહાડ પરથી કડાકા ભડાકા સાથે ખાબક્યા પથ્થરો; શાકભાજી માર્કેટ વિસ્તારમાં ભયનો માહોલ, વાહનોને ભારે નુકસાન

શિમલા : હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ચોમાસાની આફત વચ્ચે વધુ એક ડરામણી ઘટના સામે આવી છે. શિમલાના પ્રખ્યાત ધાલી શાકભાજી માર્કેટની બિલકુલ સામે આવેલી ઊંચી ટેકરી પરથી ગુરુવારે સાંજે અચાનક મોટો ભૂસ્ખલન થયો હતો અને ધસમસતા પથ્થરો નીચે રસ્તા પર આવી પડ્યા હતા. ટેકરી પરથી અચાનક પથ્થરોનો વરસાદ થતાં જ વિસ્તારમાં હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ભાગદોડ મચી ગઈ હતી.
પહાડ પરથી પૂરપાટ ઝડપે નીચે ખાબકેલા મોટા પથ્થરો રસ્તા પર અને સર્વિસ સ્ટેશન નજીક પાર્ક કરેલા અનેક વાહનો સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં એક વાહનનો તો કુરચો બોલી ગયો હતો અને તેને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદભાગ્યે, અન્ય કેટલાક વાહનો ધોવા માટે પાર્ક કરવામાં આવ્યા હોવાથી તેમાં કોઈ મુસાફરો હાજર નહોતા, જેથી એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી. ઘટના બાદ તુરંત જ સ્થાનિક લોકોની મદદથી વાહનોને તે સંવેદનશીલ વિસ્તારમાંથી ખસેડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન ધાલી શાકભાજી માર્કેટ સામેની આ ટેકરી અત્યંત જોખમી અને સંવેદનશીલ બની જાય છે. માટી ધોવાઈ જવાને કારણે સતત ભૂસ્ખલન અને પથ્થરો ખસવાની ઘટનાઓ બને છે. સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોએ આ વિસ્તારમાં કાયમી રક્ષણાત્મક દીવાલ અથવા સુરક્ષા ઉપાયો કરવાની વહીવટીતંત્ર સમક્ષ આકરી માંગ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
