<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

અખિલેશના 'ગુપ્ત મિશન' પર શિવપાલ: યુપીમાં ૨૦% મુસ્લિમ મતદારોને એકત્ર કરવા સાચવ્યો મોરચો

૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં સત્તામાં વાપસી માટે સમાજવાદી પાર્ટીની બે-પાંખી રણનીતિ: અખિલેશ સોફ્ટ હિન્દુત્વ અને પીડીએ પર ધ્યાન કેન્દ્રિત કરશે ત્યારે શિવપાલ યાદવે આઝમ ખાનને ગૃહમંત્રી બનાવવાનું વચન આપી મુસ્લિમ આધાર મજબૂત કર્યો

લખનૌ  : ઉત્તર પ્રદેશના રાજકારણમાં દસ વર્ષના વનવાસનો અંત લાવવા માટે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવે એક નવી અને અત્યંત આક્રમક રણનીતિ અપનાવી છે. ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અખિલેશે પોતાના કાકાને ૨૦ ટકાથી વધુ વસ્તી ધરાવતી સપાની મૂળ મુસ્લિમ મતબેંકને અકબંધ રાખવાનું 'ગુપ્ત મિશન' સોંપ્યું છે. શિવપાલ યાદવે પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો જેવા કે સંભલ, રામપુર અને મુરાદાબાદનો પ્રવાસ કરીને સ્થાનિક અગ્રણીઓ, ધાર્મિક નેતાઓ અને સપા કાર્યકરો સાથે સીધો સંવાદ સાધ્યો છે.

પોતાના આ મિશન દરમિયાન શિવપાલ યાદવે જેલમાં બંધ સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાન અને સંભલના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકારમાં સપા નેતાઓનું રાજકીય ઉત્પીડન કરવામાં આવી રહ્યું છે અને આઝમ ખાન સાથે જેલમાં અમાનવીય વર્તન થઈ રહ્યું છે. રામપુર અને સંભલમાં કાર્યકરોને સંબોધતા શિવપાલે દાવો કર્યો હતો કે ૨૦૨૭માં સપાની સરકાર બનતાની સાથે જ આઝમ ખાન અને બર્ક સામેના તમામ કેસો પાછા ખેંચવામાં આવશે. એટલું જ નહીં, તેમણે આઝમ ખાનને રાજ્યના આગામી ગૃહમંત્રી બનાવવાનું મોટું વચન આપીને મુસ્લિમ સમુદાયમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

રાજકીય વિશ્લેષકોના મતે સપા હાલમાં ખૂબ જ ચતુરાઈપૂર્વક બે-પાંખી મોરચે કામ કરી રહી છે. એક તરફ અખિલેશ યાદવ સોફ્ટ હિન્દુત્વ, મંદિર દર્શન અને 'પીડીએ' (પછાત, દલિત, લઘુમતી) ફોર્મ્યુલા દ્વારા બિન-યાદવ ઓબીસી અને ઉચ્ચ જાતિના મતદારોને જોડવામાં વ્યસ્ત છે, જેથી સપા પરથી મુસ્લિમ તુષ્ટિકરણનો ટૅગ હટી શકે. બીજી તરફ, શિવપાલ યાદવ મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ફરીને અસંતોષ દૂર કરી રહ્યા છે જેથી મુખ્ય મતબેંકમાં કોઈ વિભાજન ન થાય. આ કાકા-ભત્રીજાની જોડીનો આ નવો વ્યૂહાત્મક પ્લાન ૨૦૨૭માં ઉત્તર પ્રદેશના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે.

(9:07 PM IST)