<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

વિજય માલ્યાની સંપત્તિ જપ્તી સામેની અરજી પર બોમ્બે હાઈકોર્ટ લાલઘૂમ: SBI અને ED પાસે ત્વરિત જવાબ માંગ્યો!

મૂળ દાવો ₹૬,૨૦૩ કરોડનો અને બેંકોએ ₹૧૫,૦૦૦ કરોડ વસૂલ્યા હોવાનો માલ્યાના વકીલનો સનસનાટીપૂર્ણ દાવો; આગામી સુનાવણી ૯ સપ્ટેમ્બરના રોજ યોજાશે

મુંબઈ : ભાગેડુ પૂર્વ દારૂના વેપારી વિજય માલ્યાની ૬ વર્ષ જૂની અરજી પર બોમ્બે હાઈકોર્ટે બુધવારે મોટો આદેશ આપ્યો છે. મુંબઈની સ્પેશિયલ PMLA કોર્ટ દ્વારા ૨૦૧૯ માં જપ્ત કરાયેલી સંપત્તિઓમાંથી બેંકોના કન્સોર્ટિયમને લોન વસૂલવાની મંજૂરી આપવાના નિર્ણયને માલ્યાએ પડકાર્યો હતો. આ મામલે જસ્ટિસ મિલિંદ જાધવે બેંકોના કન્સોર્ટિયમની આગેવાની કરતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના ડેપ્યુટી ડિરેક્ટરને વિગતવાર જવાબ આપવા સ્પષ્ટ નિર્દેશ જાહેર કર્યા છે.

 

સુનાવણી દરમિયાન માલ્યા તરફથી કોર્ટમાં રજૂ થયેલા વરિષ્ઠ વકીલ અમિત દેસાઈએ એક સનસનાટીપૂર્ણ દલીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અરજી દાખલ થયા પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને વાણિજ્યિક વિવાદનો હવે અંત આવવો જોઈએ. વકીલે કોર્ટને જણાવ્યું કે બેંકોના મૂળ દાવાની રકમ વ્યાજ સહિત આશરે ₹૬,૨૦૩ કરોડ થતી હતી, જ્યારે બેંકોના કન્સોર્ટિયમે જપ્ત કરાયેલી સંપત્તિઓની હરાજી અને ઉપયોગ કરીને અત્યાર સુધીમાં આશરે ₹૧૫,૦૦૦ કરોડ જેટલી રકમ વસૂલી લીધી છે.

 

જોકે, હાઈકોર્ટે આ અંગે નોંધ્યું હતું કે માલ્યાના વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓની સત્યતા અને ચકાસણી બેંકો દ્વારા થવી જરૂરી છે. જસ્ટિસ જાધવે માલ્યાને અરજી બાદ થયેલા નવા વિકાસ અંગે વધારાનું સોગંદનામું (Affidavit) દાખલ કરવાની મંજૂરી આપી છે, જેની નકલ SBI અને ED ને પૂરી પાડવામાં આવશે. ED ના સત્તાવાર જવાબ અને રજૂઆત આવ્યા બાદ કોર્ટ અન્ય પ્રતિવાદીઓને નોટિસ જારી કરવા અંગે વિચારણા કરશે. આ મામલાની આગામી સુનાવણી ૯ સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે.

(9:12 PM IST)