હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેંગલુરુમાં ઘરની બહાર કાર પાર્ક કરવી થશે મોંઘી: વાર્ષિક પાર્કિંગ પરમિટ માટે રૂ. ૨૫ હજાર સુધીનો પ્રસ્તાવ
હવે પોતાના ઘરની આસપાસના જાહેર રસ્તાઓ પર ગાડી પાર્ક કરવા માટે નાગરિકોએ વાર્ષિક રહેણાક પાર્કિંગ પરમિટ લેવી પડશે

બેંગલુરુ : કર્ણાટક સરકારે બેંગલુરુના રસ્તાઓ પર સતત વધતા વાહનોના પાર્કિંગ દબાણને નિયંત્રિત કરવા માટે એક નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ‘ગ્રેટર બેંગલુરુ એરિયા પાર્કિંગ રૂલ્સ, ૨૦૨૬’ હેઠળ હવે પોતાના ઘરની આસપાસના જાહેર રસ્તાઓ પર ગાડી પાર્ક કરવા માટે નાગરિકોએ વાર્ષિક રહેણાક પાર્કિંગ પરમિટ લેવી પડશે.
વાર્ષિક પાર્કિંગ પરમિટના પ્રસ્તાવિત દર ડ્રાફ્ટ અનુસાર વાહનના કદ અને પ્રકાર મુજબ વાર્ષિક ફી નક્કી કરવામાં આવી છે. જેમાં નાની (હેચબેક) કાર માટે રૂ. ૧૫,૦૦૦, સેડાન કાર માટે રૂ. ૨૦,૦૦૦ અને એસયુવી (SUV) કાર માટે રૂ. ૨૫,૦૦૦ ની લઘુતમ વાર્ષિક ફી પ્રસ્તાવિત છે. મુખ્ય કમિશનર અંતિમ દર જાહેર કરશે અને પરમિટ મેળવવા માટે વધારાની વહીવટી ફી પણ ચૂકવવી પડી શકે છે. આ પરમિટ મહત્તમ ૧ વર્ષ માટે જ માન્ય રહેશે અને દર વર્ષે રહેઠાણની ચકાસણી બાદ તેનું નવીનીકરણ થશે. પરમિટ મળવાથી આખા શહેરમાં ગમે ત્યાં પાર્ક કરવાની છૂટ નહીં મળે, પરંતુ માત્ર પોતાના ઘરથી ચાલીને પહોંચી શકાય તેવી નિર્ધારિત પાર્કિંગ સીમામાં જ વાહન રાખી શકાશે.
રસ્તાઓ પર કલાકદીઠ પાર્કિંગ ફી બિનરહેણાક વિસ્તારોમાં રસ્તાઓ પર વાહન પાર્ક કરવા માટે રસ્તાઓની વર્ગીકૃત શ્રેણી મુજબ કલાકદીઠ દર નક્કી કરાયા છે. જેમાં ‘સી’ શ્રેણીના રસ્તાઓ પર ટુ-વ્હીલર માટે કલાકના રૂ. ૨૦ અને કાર માટે રૂ. ૪૦, ‘બી’ શ્રેણીમાં ટુ-વ્હીલર માટે રૂ. ૩૦ અને કાર માટે રૂ. ૬૦, જ્યારે ‘એ’ શ્રેણીના રસ્તાઓ પર ટુ-વ્હીલર માટે રૂ. ૪૦ અને કાર માટે રૂ. ૮૦ લઘુતમ દર સૂચવાયો છે. ઓફ-સ્ટ્રીટ પાર્કિંગ માટે આ દરો રસ્તા પરના પાર્કિંગ દર કરતા અંદાજે અડધા રહેશે. તેમજ બે કલાકથી વધુ સમય સુધી રસ્તા પર વાહન રાખનાર પાસેથી વધતો દર વસૂલવાની પણ જોગવાઈ ડ્રાફ્ટમાં કરાઈ છે.
ગેરકાયદે પાર્કિંગ બદલ દંડની જોગવાઈ જો નિયમભંગ કરીને રસ્તા પર પાર્કિંગ કરવામાં આવે તો ટુ-વ્હીલર માટે રૂ. ૩૦૦ અને કાર માટે રૂ. ૫૦૦ દંડની દરખાસ્ત છે. જ્યારે ફૂટપાથ પર પાર્કિંગ કરવા બદલ ટુ-વ્હીલર માટે રૂ. ૬૦૦ અને કાર માટે રૂ. ૧,૦૦૦ દંડ ફટકારવામાં આવશે.
સ્ટેશનોની આસપાસ પાર્કિંગ પર પ્રતિબંધ મેટ્રો અથવા ઉપનગર (સબઅર્બન) રેલવે સ્ટેશનોની આસપાસ શરૂઆતમાં ૧૫૦ મીટર સુધીના વિસ્તારમાં રસ્તા પર પાર્કિંગ કરવા પર પ્રતિબંધ રહેશે. ભવિષ્યમાં આ નો-પાર્કિંગ વિસ્તાર તબક્કાવાર વધારીને ૫૦૦ મીટર સુધી લંબાવવાની જોગવાઈ છે.
હાલની સ્થિતિ: ૩૦ દિવસમાં આપી શકાશે વાંધા-સૂચનો આ નિયમો હજુ સુધી લાગુ કરવામાં આવ્યા નથી. કર્ણાટકના સત્તાવાર ગેઝેટમાં ૧૨ ઓગસ્ટે આ ડ્રાફ્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ પ્રકાશન તારીખથી ૩૦ દિવસ સુધી સામાન્ય નાગરિકો પોતાના વાંધા અને સૂચનો આપી શકશે. ત્યારબાદ સરકાર તેને વિચારણા હેઠળ લઈ અંતિમ નિયમો જાહેર કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
