<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ચમોલીમાં ટનલની અંદર આફત : પાણી-કાટમાળ ધસી આવતાં મજૂરો ફસાયા, ૧૬ને જીવતા બચાવાયા: પીપલકોટીની ટીએચડીસી જળવિદ્યુત યોજનામાં દુર્ઘટના

૩ લોકો ફસાયા હોવાની આશંકા: એનડીઆરએફ-એસડીઆરએફ સહિત અનેક એજન્સીઓનું યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ

દેહરાદૂન/ચમોલી  : ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પીપલકોટી નજીક ટીએચડીસીની નિર્માણાધીન વિષ્ણુગાડ-પીપલકોટી જળવિદ્યુત યોજનાની ટનલમાં આજે સાંજે અચાનક ભારે પ્રમાણમાં પાણી અને કાટમાળ ધસી આવતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રારંભિક માહિતી મુજબ અંદર કામ કરી રહેલા આશરે ૧૮થી ૧૯ શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા હતા. મોડી સાંજ સુધીમાં ૧૬ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ઓછામાં ઓછા ૩ લોકો હજુ ટનલમાં ફસાયેલા હોવાની આશંકા વચ્ચે વિશાળ બચાવ કામગીરી ચાલી રહી છે. 

 

આ દુર્ઘટના સાંજે લગભગ ૬.૩૦થી ૭.૦૫ વાગ્યાની વચ્ચે બની હોવાનું અલગ-અલગ પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે. ચમોલીના જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ કુમારના જણાવ્યા અનુસાર ટનલની અંદર અચાનક મોટી માત્રામાં પાણી અને કાટમાળનો પ્રવાહ આવ્યો હતો, જેના કારણે તે સમયે શિફ્ટમાં કામ કરી રહેલા શ્રમિકો અંદર ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ જિલ્લા તંત્ર અને બચાવ એજન્સીઓને સક્રિય કરવામાં આવી હતી. 

 

સ્થળ પરથી સામે આવેલી પ્રાથમિક માહિતી પ્રમાણે પાણી સાથે કાટમાળનો પ્રવાહ એટલો અચાનક અને ઝડપી હતો કે કેટલાક શ્રમિકોને સલામત સ્થળે પહોંચવાનો સમય પણ મળ્યો નહોતો. કેટલાક શ્રમિકો પાણીના તેજ પ્રવાહ સાથે ટનલના બહારના ભાગ તરફ ધકેલાયા હોવાનું પણ પ્રારંભિક અહેવાલોમાં જણાવાયું છે. 

 

એનડીઆરએફ, એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને સ્થાનિક પ્રશાસન સહિતની ટીમો  ભારે મશીનરીની મદદથી કાટમાળ દૂર કરી ટનલના અંદરના ભાગ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એમ્બ્યુલન્સ અને તબીબી ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે. 

 

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટનાની નોંધ લઈ પરિસ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી છે.

(10:12 PM IST)