હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રામ મંદિર ટ્રસ્ટના નવા સીઈઓ માટે જંગ જામ્યો: બે વરિષ્ઠ અધિકારીઓ રેસમાં સૌથી આગળ
૫,૫૮૫ અરજદારોમાંથી સ્ક્રીનિંગના અનેક તબક્કા બાદ ૩ પ્રબળ નામોની પેનલ તૈયાર: કાશી કોરિડોર ફેમ યોગેશ્વર રામ મિશ્રા અને પૂર્વ આઈપીએસ રાજેશ પાંડે વચ્ચે અંતિમ કમાન સંભાળવાની ટક્કર

અયોધ્યા : અયોધ્યામાં અતિ ભવ્ય અને ઐતિહાસિક શ્રી રામ જન્મભૂમિ મંદિરના વહીવટ અને સંચાલન માટે નવા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ની પસંદગી પ્રક્રિયા હવે તેના આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. દેશભરમાંથી મળેલી ૫,૫૮૫ જેટલી મોટી સંખ્યાની અરજીઓમાંથી આકરી સ્ક્રીનિંગ અને ઇન્ટરવ્યુ પ્રક્રિયા બાદ અંતિમ ૩ દાવેદારોની પેનલ તૈયાર કરી લેવામાં આવી છે. ટ્રસ્ટને સુપરત કરવામાં આવનારી આ યાદીમાં ઉત્તર પ્રદેશના બે જાણીતા અને અનુભવી અધિકારીઓ - યોગેશ્વર રામ મિશ્રા અને રાજેશ પાંડેના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે, જેના કારણે રામ મંદિરના સીઈઓ પદ માટેની સ્પર્ધા અત્યંત રોમાંચક બની ગઈ છે.
આ રેસમાં સૌથી મજબૂત દાવેદાર ગણાતા યોગેશ્વર રામ મિશ્રા પ્રમોટેડ આઈએએસ અધિકારી છે, જેમને વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણ અને વ્યવસ્થાપનનો બહોળો અનુભવ છે. મોટા ધાર્મિક સ્થળોના વહીવટમાં તેમની સફળ ક્ષમતાને કારણે તેમનું પલડું ભારે માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ, રાજેશ પાંડે ઉત્તર પ્રદેશના એક અત્યંત પ્રશંસનીય અને ગતિશીલ નિવૃત્ત આઈપીએસ અધિકારી છે, જેમની છબી એક દબંગ અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતી છે. મંદિર ટ્રસ્ટ અને સરકાર એવા અધિકારીની શોધમાં છે જે પ્રામાણિકતા, સુરક્ષા અને ધાર્મિક ક્ષેત્રના સંચાલનમાં સંપૂર્ણ પારંગત હોય.
આ પસંદગી પ્રક્રિયા ખૂબ જ લાંબી અને કઠોર રહી છે, જેમાં ઓનલાઈન વાતચીતથી લઈને આખરી તબક્કામાં ૧૬ ઉમેદવારો સાથે રૂબરૂ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોમાં કેટલાક અનુભવી નિવૃત્ત લશ્કરી અધિકારીઓ પણ સામેલ હતા, જેથી જો સીઈઓ તરીકે કોઈ ભૂતપૂર્વ લશ્કરી અધિકારીની પસંદગી થાય તો પણ નવાઈ નહીં રહે. દેશના આ સૌથી મોટા ધાર્મિક પ્રોજેક્ટના સંચાલનની કમાન કોના હાથમાં સોંપવામાં આવશે તેનો અંતિમ આખરી નિર્ણય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં જ લેવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
