<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ચીનમાં ભારતીય ઓપ્ટિકલ ફાઇબરનો દબદબો: ગભરાયેલા બેઇજિંગે એન્ટી-ડમ્પિંગ ડ્યુટી વધુ ૫ વર્ષ લંબાવી

સ્થાનિક ઉદ્યોગોને ભારતીય કંપનીઓની શ્રેષ્ઠ ગુણવત્તા અને સ્પર્ધાત્મક કિંમતો સામે બચાવવા ચીને ૩૦.૬ ટકા સુધીનો આકરો ટેક્સ યથાવત રાખ્યો : ૨૦૧૪થી ચાલતા પ્રતિબંધો છતાં ભારતીય મેન્યુફેક્ચરર્સનો દબદબો અકબંધ

નવી દિલ્હી :  વૈશ્વિક વેપાર મંચ પર ભારતીય ઉત્પાદનોની વધતી જતી તાકાતથી હવે ચીન પણ ગભરાવા લાગ્યું છે. ભારતીય સિંગલ-મોડ ઓપ્ટિકલ ફાઇબરની ઉત્કૃષ્ટ ગુણવત્તા અને ચીની બજારમાં તેની સતત વધતી જતી માંગને રોકવા માટે ચીને એક મોટું આર્થિક હથિયાર અજમાવ્યું છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ભારતમાંથી આયાત થતાં સિંગલ-મોડ ઓપ્ટિકલ ફાઇબર પરની એન્ટી-ડમ્પિંગ ડ્યુટીને વધુ પાંચ વર્ષ માટે લંબાવી દીધી છે, જેથી ચીનની સ્થાનિક કંપનીઓને ભારતીય પ્રોડક્ટ્સ સાથે સીધી સ્પર્ધામાંથી બચાવી શકાય.

ચીનની સરકારે એક વર્ષ સુધી ચાલ્યા બાદ પૂર્ણ થયેલી 'સનસેટ રિવ્યૂ' તપાસ બાદ આ પગલું ભર્યું છે. બેઇજિંગને ડર હતો કે જો ભારતીય ઓપ્ટિકલ ફાઇબર પરથી આ વધારાનો ટેક્સ હટાવી લેવામાં આવશે, તો ભારતીય માલ ચીની બજારોમાં છવાઈ જશે અને ચીનનો સ્થાનિક ઉદ્યોગ ભાંગી પડશે. ચીન દ્વારા લાદવામાં આવેલા નવા દર મુજબ, વિવિધ ભારતીય નિકાસકારો પર ૭.૪ ટકાથી લઈને ૩૦.૬ ટકા સુધીનો આકરો ટેક્સ વસૂલવામાં આવશે. ભારતની અગ્રણી કંપની સ્ટરલાઇટ ટેક્નોલોજીસ પર ૭.૪ ટકા, જ્યારે અક્ષ ઓપ્ટીફાઇબર અને ફિનોલેક્સ કેબલ્સ જેવી કંપનીઓ પર ૩૦.૬ ટકા જેટલો ભારે ડ્યુટી ચાલુ રહેશે.

નોંધનીય છે કે ચીને સૌપ્રથમ ઓગસ્ટ ૨૦૧૪માં ભારતીય ઓપ્ટિકલ ફાઇબર પર આ પ્રકારના ટેક્સ લાદ્યા હતા, જેને ૨૦૨૦માં પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યા હતા. હવે ૨૦૨૬માં ફરીથી તેને આગામી પાંચ વર્ષ સુધી લંબાવીને ચીને સાબિત કરી દીધું છે કે તે ભારતીય ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતા સામે ટકી શકવામાં અસમર્થ અનુભવી રહ્યું છે. ભારતીય ઉદ્યોગો સામે ચીન દ્વારા ઉભા કરાયેલા આ અવરોધો છતાં ભારતીય પ્રોડક્ટ્સનો વૈશ્વિક સ્તરે પ્રભાવ સતત વધી રહ્યો છે.

(10:30 PM IST)