<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

₹૬.૫ કરોડનો ફ્લેટ, પણ શરત 'માત્ર શાકાહારી': મુંબઈના પોશ એરિયામાં નવો વિવાદ ચગ્યો

તાડદેવ વિસ્તારમાં ૨ બીએચકે ફ્લેટના વેચાણ માટે મૂકવામાં આવેલી આહાર સંબંધિત શરતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય બબાલ : સ્થાનિક નેતાઓએ મરાઠી અસ્મિતા અને ભેદભાવનો મુદ્દો બનાવીને વિરોધ નોંધાવ્યો

મુંબઈ :  માયાનગરી મુંબઈના અત્યંત પોશ ગણાતા તાડદેવ વિસ્તારમાં રૂ. ૬.૫ કરોડની કિંમતના એક આલીશાન ૨ બીએચકે ફ્લેટની ઓનલાઈન લિસ્ટિંગે શહેરમાં આહાર આધારિત ભેદભાવ અંગેનો મોટો વિવાદ ઊભો કરી દીધો છે. આશરે ૯૦૦ ચોરસ ફૂટ કાર્પેટ એરિયા ધરાવતા અને દક્ષિણ મુંબઈના સી-વ્યૂ વાળા આ ફ્લેટના વેચાણ માટે પ્રોપર્ટી ડીલર ભાવેશ કાવરે દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે આ ફ્લેટ 'માત્ર શાકાહારી'  ખરીદનારને જ વેચવામાં આવશે. આ વીડિયો વાયરલ થતાં જ નેટિઝન્સ અને સામાન્ય નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને પ્રશ્ન ઊઠ્યો હતો કે રહેઠાણ મેળવવાનો અધિકાર વ્યક્તિની ખોરાકની પસંદગી પર નિર્ભર હોવો જોઈએ કે કેમ?

ઘટના વાયરલ થતાં જ મુદ્દો રાજકીય સ્તરે ગરમાયો છે. મુંબઈના પૂર્વ મેયર કિશોરી પેડણેકર અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વરિષ્ઠ નેતા યશવંત કિલેદારે આ શરત સામે આકરો અસંતોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે બહારથી આવીને વસેલા કેટલાક લોકો મુંબઈમાં માંસાહારીઓને ઘર આપવાનો ઇનકાર કરીને ખાસ કરીને મરાઠી ભાષી લોકોનું અપમાન કરી રહ્યા છે. વિવિધ સંસ્કૃતિ ધરાવતા મુંબઈ જેવા મહાનગરમાં હાઉસિંગ સોસાયટીઓ અને માલિકો દ્વારા કરવામાં આવતા આ પ્રકારના વલણને અસ્વીકાર્ય ગણાવીને ભેદભાવ આચરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઊઠી છે.

વિવાદ અતિશય વધી જતાં પ્રોપર્ટી એજન્ટ ભાવેશ કાવરેએ પોતે સામે આવીને મરાઠીમાં સ્પષ્ટતા જારી કરવી પડી હતી. તેમણે ખુલાસો કર્યો હતો કે આ શરત તેમણે સ્વયં નથી મૂકી પરંતુ ફ્લેટ માલિકની વ્યક્તિગત ઈચ્છા હતી કે ફ્લેટ માત્ર શાકાહારી વ્યક્તિને જ વેચાય. તેમણે ઉમેર્યું કે તેમનો હેતુ કોઈ સમુદાય કે વ્યક્તિની લાગણી દુભાવવાનો નહોતો અને જો ભવિષ્યમાં તેમને કોઈ માંસાહારી ગ્રાહક માટે વીડિયો બનાવવાનું કહેશે તો તેઓ તે પણ કરશે. આમ છતાં, આ ઘટનાએ મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં રહેઠાણ અને ખોરાકની આઝાદી વચ્ચેની દાયકાઓ જૂની ચર્ચાને ફરી એકવાર સપાટી પર લાવી દીધી છે.

(10:33 PM IST)