હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેંગલુરુની જેલમાં જેડીએસના પૂર્વ સાંસદ પ્રજ્જવલ રેવન્ના પાસેથી બિનઅધિકૃત મોબાઈલ ફોન મળી આવતા જેલ પ્રશાસનમાં મચેલો ભારે હડકંપ: પોલીસે ફોનને જપ્ત કરી સીલ માર્યું, અનેક વીડિયો હોવાની અફવાઓ પર પોલીસે પૂર્ણવિરામ મૂક્યું
પરપ્પના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન બેરેકમાંથી સ્માર્ટફોન મળતા આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ નિલંબિત, ફોરેન્સિક તપાસ બાદ જ સત્ય સામે આવશે તેવો પોલીસ અને જેલતંત્રનો ખુલાસો

બેંગલુરુ:રેપના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા હાસનના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્જવલ રેવન્નાની મુશ્કેલીઓમાં વધુ એક ગંભીર ઉમેરો થયો છે. બેંગલુરુ સ્થિત પરપ્પના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ (CCB) દ્વારા કરવામાં આવેલા અચાનક દરોડા દરમિયાન પ્રજ્જવલ રેવન્ના રહે છે તે બેરેકમાંથી એક સ્માર્ટફોન મળી આવતા સમગ્ર જેલ તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે ડિરેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સ આલોક કુમારે જેલના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઈરન્ના રંગાપુરને ફરજમાં ગંભીર બેદરકારી બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે, જ્યારે જેલ સુપ્રિન્ટેન્ડન્ટને કારણદર્શક નોટિસ ફટકારી સ્પષ્ટતા માંગવામાં આવી છે.
દરમિયાન, જપ્ત કરાયેલા આ મોબાઈલ ફોનમાં અનેક આપત્તિજનક વીડિયો અને ડેટા મળી આવ્યા હોવાના અહેવાલો તથા ચર્ચાઓ વહેતી થઈ હતી. જોકે, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ પ્રકારના તમામ અહેવાલો અને વાયરલ દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધા છે. પોલીસે ખુલાસો કર્યો છે કે ફોનમાં મોટી સંખ્યામાં વીડિયો હોવાની વાતો પાયાવિહોણી અને ભ્રામક છે. જપ્ત કરાયેલા એન્ડ્રોઈડ સ્માર્ટફોનને કાયદાકીય પ્રક્રિયા અનુસાર પંચોની હાજરીમાં સીલ કરવામાં આવ્યો છે અને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરી (FSL) ખાતે મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફોરેન્સિક તપાસનો વિસ્તૃત રિપોર્ટ આવ્યા બાદ જ તેમાં રહેલા ડેટા અને કૉલ હિસ્ટ્રી અંગેનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે.
તપાસમાં સામે આવ્યું છે કે જપ્ત કરાયેલા મોબાઈલ ફોનમાં ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ તેમજ નેટફ્લિક્સ અને પ્રાઈમ વીડિયો જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડાઉનલોડ થયેલા હતા, જે તમામ પાસવર્ડથી પ્રોટેક્ટેડ હતા. પૂછપરછ દરમિયાન પ્રજ્જવલ રેવન્ના સાથે રહેતા અન્ય એક કાચા કામના કેદી પ્રતાપ રાયે ફોન પોતાનો હોવાનો દાવો કર્યો હતો, જ્યારે પ્રજ્જવલ રેવન્નાએ પોતાના વકીલ અને સગાંઓ સાથે વાત કરવા માટે તે લીધો હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે પરપ્પના અગ્રહારા પોલીસ મથકે કર્ણાટક પ્રિઝન્સ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાઈ-સિક્યોરિટી જેલમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણ અને સિમકાર્ડ કઈ રીતે પહોંચ્યા તે અંગે ઉચ્ચ સ્તરીય તપાસ તેજ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
