<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ચિપ્સ-બિસ્કિટ પર ચેતવણી લેબલ લગાવો: FSSAI ને સુપ્રીમ કોર્ટનો સખત ઠપકો

પેકેજ્ડ ફૂડમાં ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટનું વધુ પ્રમાણ દર્શાવવા 'ફ્રન્ટ-ઓફ-પેક' ચિહ્નિત લેબલિંગ લાદવામાં વિલંબ બદલ નારાજગી વ્યક્ત કરી : ટૂંક સમયમાં નિર્ણય ન લેવાય તો પોતે માર્ગદર્શિકા જાહેર કરવાની આપી ચેતવણી

નવી દિલ્હી:   ચા સાથે બિસ્કિટ ખાવા કે ચિપ્સના પેકેટ આરોગવા આપણી રોજિંદી દિનચર્યાનો એક ભાગ બની ગયા છે, પરંતુ આ હળવો નાસ્તો આપણા સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી સાબિત થઈ રહ્યો છે તે અંગે હવે દેશની સર્વોચ્ચ અદાલત લાલઘૂમ થઈ છે. સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ફૂડ રેગ્યુલેટર FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ને સખત ઠપકો આપતા સવાલ કર્યો છે કે ગ્રાહકોને ખરીદી સમયે જ ખોરાકમાં રહેલા મીઠા, ખાંડ અને સેચ્યુરેટેડ ફેટના પ્રમાણ વિશે સ્પષ્ટ માહિતી મળે તે માટે પેકેટની આગળના ભાગે ('ફ્રન્ટ-ઓફ-પેક') ચેતવણી લેબલ લગાવવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે. કોર્ટે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કેન્દ્ર સરકાર અને FSSAI આ મામલે ઝડપથી આખરી નિર્ણય નહીં લે, તો અદાલત પોતે ગ્રાહકોના હિતમાં જરૂરી સૂચનાઓ જારી કરી દેશે.

હાલમાં મોટાભાગના પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સમાં પોષક તત્વોની વિગતો પેકેટની પાછળ ખૂબ જ ઝીણા અક્ષરોમાં લખવામાં આવે છે, જે સામાન્ય ગ્રાહક માટે સમજવી અતિ મુશ્કેલ હોય છે. FSSAI દ્વારા અગાઉ "ઇન્ડિયન ન્યુટ્રિશન રેટિંગ" (INR) મોડેલ હેઠળ ૦.૫ થી ૫ સ્ટાર રેટિંગ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેથી ગ્રાહક પેકેટ જોતાં જ તેની ગુણવત્તા પારખી શકે. સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે પેકેજ્ડ ફૂડના અતિશય સેવનથી દેશમાં ચયાપચય સંબંધિત ગંભીર બીમારીઓ વધી રહી છે, ત્યારે લોકો પોતાના ખોરાક વિશે જાણી જોઈને સભાન નિર્ણય લઈ શકે તે માટે પારદર્શક લેબલિંગ પદ્ધતિ તાકીદે લાદવી જરૂરી છે.

આરોગ્ય નિષ્ણાતો અને સંશોધનો પણ સુપ્રીમ કોર્ટની આ ચિંતાને સમર્થન આપે છે. અમેરિકાના એક લાંબા ગાળાના અભ્યાસ મુજબ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું દૈનિક સેવન ડાયાબિટીસનું જોખમ દરરોજ ૨% સુધી વધારી દે છે. એ જ રીતે ભારત માટે ICMR-INDIAB ના સર્વેક્ષણ દર્શાવે છે કે ભારતીય આહારમાં શુદ્ધ અનાજ, ઉમેરેલી ખાંડ અને સંતૃપ્ત ચરબીનું પ્રમાણ ખૂબ ઊંચું છે, જે ટાઇપ-૨ ડાયાબિટીસ અને સ્થૂળતાના ઊંચા જોખમ સાથે સીધું જોડાયેલું છે. અદાલતના આ કડક વલણથી પેકેજ્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં મોટો ફેરફાર આવવાની અને ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા મજબૂત થવાની પૂરી સંભાવના છે.

(10:31 PM IST)