<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

હોસ્‍પિટલના ટોયલેટમાંથી નર્સનો મૃતદેહ મળ્‍યો

કોલકતામાં ફરી RG કર જેવો કાંડ

કોલકાતા,તા.૧૪: કોલકાતાની નીલરતન સરકાર મેડિકલ કોલેજ એન્‍ડ હોસ્‍પિટલ (NRS) ના શૌચાલયમાંથી બુધવારે રાત્રે એક મહિલા નર્સનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્‍થળ પર પહોંચી દરવાજો તોડીને મૃતદેહ બહાર કાઢ્‍યો હતો અને તેને પોસ્‍ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા નર્સ બુધવારે રાત્રે આશરે ૮ વાગ્‍યે નાઇટ શિફટ માટે ડ્‍યુટી પર આવી હતી. તેમની સાથે કામ કરતા કર્મચારીઓના જણાવ્‍યા મુજબ, તેઓ રાત્રે ૯થી ૧૦ વાગ્‍યાની વચ્‍ચે હોસ્‍પિટલના શૌચાલયમાં ગયા હતા. મોડે સુધી પાછા ન આવતા સાથી કર્મચારીઓએ બૂમો પાડી અને દરવાજો ખખડાવ્‍યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્‍યો ન હતો.

ઘટના અંગે જાણ કરવામાં આવતા જ એન્‍ટાલી પોલીસ સ્‍ટેશનની ટીમ હોસ્‍પિટલ પહોંચી હતી. પોલીસે પહેલાં અંદર રહેલી નર્સ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ ન મળતા દરવાજો તોડી નાખ્‍યો હતો. હાલમાં નર્સના મોતનું સાચું કારણ સ્‍પષ્ટ થયું નથી અને પોલીસ પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે.

(10:43 AM IST)