<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

છૂટાછેડા થાય તો ૧.૧૦ કરોડનું માસિક ભરણપોષણ અને ૫૩ કરોડનો બંગલોઃ મિલકતમાં ‘ઝીરો' હક

રોનાલ્‍ડોના ‘સાઇલેન્‍ટ' લગ્ન અને સનસનાટીભર્યો કરાર

નવી દિલ્‍હી, તા.૧૪: વિશ્વના મહાન ફૂટબોલર ક્રિસ્‍ટિયાનો રોનાલ્‍ડો અને તેની લાંબા સમયની પાર્ટનર જ્‍યોર્જીના રોડ્રિગ્‍ઝે તાજેતરમાં ૧૧ ઓગસ્‍ટે અત્‍યંત ખાનગી અને ગુપ્ત સમારંભમાં લગ્ન કરી લીધા હોવાના અહેવાલોથી ખેલ જગતમાં ખળભળાટ મચી ગયો છે. માત્ર પરિવારજનો અને અતિ નજીકના મિત્રોની હાજરીમાં સંપન્ન થયેલા આ લગ્ન જેટલા ચર્ચામાં છે, તેનાથી વધુ ચર્ચા તેમના લગ્ન નોંધણીના કાનૂની દસ્‍તાવેજો અને શરતોની થઈ રહી છે. મેક્‍સીકન પ્રકાશન એન પારેજાના રિપોર્ટ અનુસાર, રોનાલ્‍ડોએ પોતાની અબજો રૂપિયાની સંપત્તિ સુરક્ષિત રાખવા માટે એક ખાસ કાનૂની જોગવાઈ હેઠળ આ લગ્ન કર્યા છે.

પોર્ટુગીઝ કાયદા મુજબ કરવામાં આવેલા આ કરારમાં સંપત્તિઓનું વિભાજન ની કડક જોગવાઈ રાખવામાં આવી છે. આ કાનૂની શરતનો સીધો અર્થ એ થાય છે કે લગ્ન પહેલાં કે લગ્ન દરમિયાન રોનાલ્‍ડો કે જ્‍યોર્જીના દ્વારા કમાયેલી તમામ સંપત્તિઓ, બિઝનેસ, રોકાણો અને બ્રાન્‍ડ એન્‍ડોર્સમેન્‍ટ પર તેમનો વ્‍યક્‍તિગત જ સંપૂર્ણ અધિકાર રહેશે. જો ભવિષ્‍યમાં આ દંપતી વચ્‍ચે અણબનાવ બને અને વાત છૂટાછેડા સુધી પહોંચે, તો પણ જ્‍યોર્જીના રોનાલ્‍ડોની રોયલ્‍ટી કે બિઝનેસ કમાણીમાંથી અડધો ભાગ કે મિલકતનો કોઈ હિસ્‍સો દાવો કરી શકશે નહીં.

જોકે, પોર્ટુગીઝ મેગેઝિન ટીવી ગુઆના રિપોર્ટ પ્રમાણે આ કાનૂની કરારમાં જ્‍યોર્જીનાના ભવિષ્‍યની સંપૂર્ણ સુરક્ષાનો પણ બંદોબસ્‍ત કરાયો છે. કરાર મુજબ જો છૂટાછેડા થશે, તો રોનાલ્‍ડોએ જ્‍યોર્જીનાને દર મહિને ૧૦૦,૦૦૦ યુરો (આશરે રૂ.૧.૧૦ કરોડ)નું આજીવન પેન્‍શન એટલે કે ભરણપોષણ આપવું પડશે. આ સિવાય મેડ્રિડના અતિ આલીશાન વિસ્‍તાર લા ફિન્‍કામાં આવેલો તેમનો રૂ.૫૩ કરોડ (૫.૬ મિલિયન)થી વધુની કિંમતનો લક્‍ઝરી બંગલો સંપૂર્ણપણે જ્‍યોર્જીનાના નામે થઈ જશે. આ હાઈ-પ્રોફાઈલ લગ્નમાં કોઈ પણ સેલિબ્રિટી કે ફૂટબોલરને નિમંત્રણ અપાયું નહોતું અને લગ્ન બાદ પણ બંનેમાંથી કોઈએ પોતાની સરનેમ બદલી નથી.

(3:50 PM IST)